સૌરાષ્ટ્ર

રાજકોટ:હેમુ ગઢવી હોલમાં 28 ઓગસ્ટે ગુજરાતી નાટક “ચાલ અઢી પગલાંની” રજૂ કરાશે…ફ્રીમાં પાસ મળશે.

કોલેજમાં રેગીંગની રમતથી શરુ થઈને જીવનમાં રમાતી રમતની ચાલ એટલે “ચાલ અઢી પગલાંની”

રાજકોટ: ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીની આર્થિક સહાય દ્વારા સાંસ્કૃતિક વારસાની જાળવણી યોજના અંતર્ગત શૈલેન્દ્ર વડનેરે લિખિત અને  ચેતન ટાંક પ્રસ્તુત નાટક “ચાલ અઢી પગલાંની” રાજકોટનાં હેમુગઢવી હોલ, મીની થીયેટર ખાતે રજુ થવા જઈ રહ્યું છે.

કોલેજકાળમાં રેગિંગ, સતામણી ક્યારેક ઘાતક સિદ્ધ થઈ શકે છે. સામાન્યતઃ સમય જતાં ઘણા ભૂલી જાય છે, ઘણા હસીને યાદ રાખે છે તો ઘણાં દુઃખદ ઘટના સમજી સ્મરણ રણમાં દફનાવી દે છે. આ નાટકમાં કથાનાયકના મનોરાજ્યમાં કોલેજકાળના આવા દિવસો જડબેસલાક બેસી ગયા છે. એ સતત ભયના ઓથાર હેઠળ જીવે છે. એક નાની રમત જીવનની કાળ રમત બની જાય છે. આ રમત એટલે…ચાલ અઢી પગલાંની…!

આ સસ્પેન્સ થ્રીલર નાટકના લેખક શૈલેન્દ્ર વડનેરે, દિગ્દર્શક ચેતન ટાંક છે. આદિત્યરાજસિંહ ઝાલા, કાવ્યા ગઢવી, સોહમ કુવાડિયા, ધ્રુવી મકવાણા, ઋત્વિક ચાવડા, જયદીપ જાડા, હાર્દિક રાઠોડ, ડો. સુમિત વ્યાસ, જીજ્ઞેશ ચાવડા જેવા કલાકારો દ્વારા આ નાટક ભજવવામાં આવશે. નાટકનું સંગીત સંચાલન આરવ અનુવાડિયા અને પ્રકાશ રચના,સંચાલન ચેતન ટાંક દ્વારા કરવામાં આવશે.  સંગીત સંકલન ટીશા મહેતા દ્વારા કરવામાં આવ્યું છે. મેકઅપ હિમાંશુ પાડલીયા, નેપથ્ય રાજવીર, ભાવિન, ભરત, હસમુખ અને રંગમંચ સજ્જા ધ્યાનમ પ્રોડક્શન દ્વારા કરવામાં આવશે.

કાર્યક્રમમાં ધારાસભ્ય-ગુજરાત રાજ્ય ડો. દર્શિતાબેન શાહ, રાજકોટનાં મહાનગરપાલિકા મેયર નયનાબેન પેઢડિયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, આર.ડી.ગ્રૂપ રાજકોટનાં પરેશભાઈ પોપટ,   ગૌરવ પુરસ્કૃત નાટ્ય દિગ્દર્શક તથા નિર્માતા  નયન ભટ્ટ, નાટ્ય નિર્માત્રી તથા ફિલ્મ અભિનેત્રી શ્રીમતી મૃણાલિની ભટ્ટ, ગૌરવ પુરસ્કૃત નાટ્યવિદ  ભરત યાજ્ઞિક યુવા વિકાસ અધિકારી હિતેશ દિહોરા, એસ.કે.પી સ્કૂલના પ્રિન્સીપાલ રમેશ પાંભર સહિતના માનવંતા મહેમાનો  ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમ તા. 28 ઓગસ્ટ, ગુરુવારે, રાત્રે 9:30 કલાકે રાજકોટનાં હેમુ ગઢવી હોલ, મીની થીયેટર ખાતે ભજવાશે. કાર્યક્રમમાં હાજરી આપવા ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગર તથા ધ્યાનમ પ્રોડક્ટક્શન, રાજકોટ દ્વારા સૌ ને જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે. નાટકના નિ:શુલ્ક (ફ્રી) પાસ મેળવવા માટે રાજવીર રાઠોડ (મો. +91 79840 58835) પર સંપર્ક કરવા વિનંતી કરાઈ છે. નાટક હેમુ ગઢવી મીની થીયેટરમાં હોવાથી વ્હેલા તે પહેલાના ધોરણે પાસ સાથે એન્ટ્રી આપવામાં આવશે. આગળની બે રો આરક્ષિત રહેશે.

આ નાટકનો બીજો પ્રયોગ તા. 30 ઓગસ્ટ, શનિવારનાં રોજ જી.એમ. પટેલ વિદ્યાલય, રાજકોટ – જામનગર હાઈ વે, ધ્રોલ ખાતે કરવામાં આવશે. જેમાં ગુજરાત રાજ્ય નાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, શ્રી ઉમિયાજી એજ્યુકેશન ટ્રસ્ટનાં મેનેજીંગ ટ્રસ્ટી બી.એચ.ઘોડાસરા સાહેબ, શ્રી કડવા પટેલ કેળવણી મંડળ – ધ્રોલનાં મેનેજીંગ ટ્રસ્ટી જેરામભાઈ વાસજાળીયા સહિતના મહેમાનો ખાસ ઉપસ્થિત રહેશે. ધ્રોલની જન્તાને આ કાર્યક્રમમાં હાજરી આપવા જાહેર આમંત્રણ પાઠવાયું છે.

આ સમાચારને શેર કરો