ગુજરાતની રાજકીય લેબોરેટરીમાં ભાજપનો નવો પ્રયોગ સફળ: ‘કેસરીયા’ લઘુમતી ઉમેદવારોનો દબદબો

રાજકોટ | ગુજરાત હંમેશા ભાજપ માટે રાજકીય પ્રયોગોની લેબોરેટરી રહ્યું છે, અને આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાર્ટીએ વધુ એક સાહસિક પ્રયોગને સફળતાપૂર્વક પાર પાડ્યો છે. રાજ્યભરમાં યોજાયેલી નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં ભાજપે સોશિયલ એન્જિનિયરિંગની નવી સ્ટ્રેટેજી અપનાવી વિરોધ પક્ષોને ચોંકાવી દીધા છે. ભાજપે આ વખતે મુસ્લિમ વર્ચસ્વ ધરાવતા વિસ્તારોમાં અનેક લઘુમતી ઉમેદવારોને ટિકિટ આપી હતી, જેમાંથી મોટાભાગના ઉમેદવારો વિજયી બન્યા છે.

સોશિયલ એન્જિનિયરિંગ: ‘રાષ્ટ્રવાદી લઘુમતી કાર્ડ’ની બોલબાલા નગરપાલિકા તેમજ પંચાયત સ્તરે ભાજપે ૨૫૦થી વધુ લઘુમતી ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. આ રણનીતિને રાજકીય વિશ્લેષકો ‘રાષ્ટ્રવાદી લઘુમતી કાર્ડ’ તરીકે જોઈ રહ્યા છે. આ પ્રયોગથી કોંગ્રેસની જે પરંપરાગત વોટ બેંક ગણાતી હતી, તેમાં મોટું ગાબડું પડ્યું છે. ખાસ કરીને ગ્રામ્ય અને તાલુકા સ્તરે મુસ્લિમ મતદારોએ ભાજપના વિકાસના એજન્ડા અને રાષ્ટ્રવાદના વિચારને સ્વીકારીને નવો ટ્રેન્ડ સેટ કર્યો છે.

જિલ્લાવાર દેખાવ પર એક નજર: અહેવાલો મુજબ, વિવિધ જિલ્લાઓમાં ભાજપના લઘુમતી ઉમેદવારોએ પ્રભુત્વ જાળવી રાખ્યું છે:
અમદાવાદ જિલ્લો: વિરમગામ, ધોળકા અને બાવળા નગરપાલિકા સહિત સાણંદ અને ધંધુકા તાલુકા પંચાયતમાં કુલ ૯ મુસ્લિમ ઉમેદવારો વિજેતા થયા છે.
વડોદરા જિલ્લો: ડભોઈ, સાવલી અને પાદરા જેવા વિસ્તારોમાં ભાજપે ૧૯ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી, જેમાં પણ નોંધપાત્ર સફળતા મળી છે.
અન્ય શહેરો: ધોળકા, સિદ્ધપુર, રાધનપુર, ઉના, કડી, ઈડર અને ભુજ જેવા લઘુમતી બહુલ શહેરોમાં પણ ભાજપે આખી પેનલો ઉભી કરી હતી.

કેસરીયો ખેસ અને નવો રાજકીય સંદેશ આ ચૂંટણીની સૌથી ચર્ચાસ્પદ અને ઐતિહાસિક બાબત એ રહી કે, લઘુમતી ઉમેદવારોએ ગર્વભેર કેસરીયો ખેસ ધારણ કરી ભાજપના નિશાન પર ચૂંટણી લડી અને જીતી બતાવી. જોકે, મહાનગરપાલિકા સ્તરે હજુ આ પ્રયોગ બાકી છે, પરંતુ પંચાયત સ્તરની આ સફળતા બાદ હવે આ ‘ગુજરાત મોડેલ’ને આગામી સમયમાં દેશભરમાં અમલમાં મૂકવાની શક્યતા પ્રબળ બની છે. આ પરિણામોએ સાબિત કર્યું છે કે રાજકારણ હવે માત્ર જ્ઞાતિ-જાતિ નહીં, પણ સર્વસમાવેશક વિકાસની દિશામાં આગળ વધી રહ્યું છે.

આ સમાચાર શેર કરો

Follow Us on