Placeholder canvas

“ગુજરાત અલાયન્સ અગેન્સ્ટ CAA NRC NPR” આ કાળા કાયદા વિરુદ્ધ થનારા આંદોલનો અને વિરોધ પ્રદર્શનોનું સંકલન ચાલુ રાખશે

સીટીઝન એમેન્ડમેન્ટ એક્ટ (2019) – નાગરિકતા અધિનિયમન કાયદો કેન્દ્ર સરકારે દેશમાં તાજેતરમાં લાગુ કરેલ છે અને આ કાયદા અંતર્ગત ધર્મના આધારે લોકોમાં ભેદભાવ કરે છે. આ કાયદાની જોગવાઈ જોઈન્ટ પાર્લિયામેન્ટરી કમિટીની ભલામણોની વિરુદ્ધ છે. દેશમાં બહારથી આવતા શરણાર્થીને નાગરિકતા આપવા માટે આ કાયદો પૂરતો હતો અને આ એમેન્ડમેન્ટની કોઈ જરૂર નહોતી. કાયદાની અગાઉની જોગવાઈ પ્રમાણે સરકાર પાસે નાગરિકતા આપવા અને નહિ આપવાની પૂરતી સત્તા હતી પરંતુ આ કાયદામાં કરેલા આ ફેરફાર પ્રમાણે તેને ધાર્મિક રંગ આપવાનો સરકારનો બદઈરાદો સ્પષ્ટ છે.

આખા દેશમાં ભાગલા પાડવાની નીતિ મુજબ કેન્દ્ર સરકાર એવા એવા મુદ્દાઓ દેશની સમક્ષ મૂકી રહી છે જેને દેશની મૂળભૂત સમસ્યાઓ સાથે કોઈ લેવા દેવા નથી. નોટબંધીના સમયથી કેન્દ્ર સરકાર વિભાજનકારી અને જનતાને લાઈનમાં ઉભી રાખવાના નવા નવા ઉપાયો કરી રહી છે. હાલમાં દેશમાં શિક્ષણ એ પાયાનો પ્રશ્ન છે. આપણે જોઈ રહ્યા છીએ કે આ સરકારના સમયકાળમાં શિક્ષણ સંસ્થાનો, પાઠ્યક્રમો અને વિદ્યાર્થીઓ પર સુનિયોજિત હુમલા થઇ રહ્યાં છે જેમાં કેન્દ્ર સરકારની સ્પષ્ટ સંડોવણી દેખાઈ રહી છે.

જે સમયે દેશમાં સાક્ષરતા દર વધારવા માટે અને શિક્ષણનો વ્યાપ વધારવાની જરૂર છે તે વખતે CAA જેવા કાયદા કે જે બંધારણની મૂળભૂત આત્મા – ધર્મનિરપેક્ષતાનો ભંગ કરી રહ્યાં છે. આવા કાળા કાયદાની ગેરસમજ નાગરિકોની સામે મૂકીને, આઝાદીના લડવૈયાઓનું અને દેશનું બંધારણનું અપમાન કરતા દેશને બે ભાગમાં વહેંચી રહી છે.

અમે માનીએ છીએ કે CAA સંપૂર્ણ રીતે ગેરબંધારણીય, ગેરવ્યાજબી કાયદો છે. આ કાયદા વિષે કેન્દ્ર સરકારના મંત્રીઓ જે પ્રકારના પ્રતિભાવો આપી રહ્યા છે તેનાથી સ્પષ્ટ છે કે જે નીતિઓ સંઘના પૂર્વજોએ જે ટુ-નેશન થિયરી દ્વારા આપી હતી તે છતી કરી રહ્યા છે.

આસામમાં જે રીતે લોકોએ પોતાની નાગરિકતા સાબિત કરવા માટે જે પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું છે તે ઘણી લાંબી, દુવિધાજનક અને ખર્ચાળ રહી છે. આ પ્રક્રિયાના અંતે અનેક સામાજિક સેવકો અને સરકારી કર્મચારીઓ પણ આ પ્રક્રિયા બાદ નાગરિકતા રજીસ્ટરથી બહાર રહી ગયા છે. આ રાષ્ટ્રીય નાગરિકતા રજીસ્ટર કેન્દ્ર સરકાર આખા દેશમાં લાગુ કરવા માંગે છે અને પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી આ બાબતે અલગ અલગ નિવેદનો કરી રહ્યા છે.

1 જાન્યુઆરીના રોજ અમદાવાદ ખાતે મળેલ એક સાર્વજનિક બેઠકમાં સામાજિક સંગઠનો અને નાગરિક સમાજના લોકો દ્વારા તેમજ સામાન્ય નાગરિકો અને વિદ્યાર્થીઓ દ્વારા થતા આંદોલનો અને કાર્યક્રમોના સંકલન માટે “ગુજરાત અલાયન્સ અગેન્સ્ટ CAA NRC NPR” ની રચના થઇ. ત્યાર બાદ આ અલાયન્સ ગુજરાતમાં ચાલતા દરેક આંદોલનો અને વિરોધ પ્રદર્શનમાં શામેલ થઇ તેમજ બીજી રીતે પણ સમર્થન કરે છે. આ અલાયન્સના ઉપક્રમે 19 જાન્યુઆરીના રોજ મોટી જાહેર સભાનું આયોજન કરવામાં આવેલું હતું। જેની પોલીસ પરવાનગી ન મળતા આ જાહેર કાર્યક્રમને ખાનગી જગ્યાએ ખસેડવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંગે જરૂરી પરવાનગી મળતા – મોટી જાહેર સભા યોગ્ય સ્થળે આયોજિત કરવામાં આવશે અને તેની જાણ કરવામાં આવશે.

આવનારા સમયમાં “ગુજરાત અલાયન્સ અગેન્સ્ટ CAA NRC NPR” આ કાળા કાયદા વિરુદ્ધ થનારા આંદોલનો અને વિરોધ પ્રદર્શનોનું સંકલન ગુજરાત ખાતે ચાલુ રાખશે.

આ સમાચારને શેર કરો