મોરબીમાં પોલીસ અને RTO તંત્રની ઘોર નિષ્ક્રિયતા: હાઈવે પર મોતની વાવણી કરતું ડમ્પર બેફામ
નંબર પ્લેટ વગરનું ડમ્પર રસ્તા પર રગડો ઢોળી રહ્યું હોવા છતાં તંત્ર મુકપ્રેક્ષક: વાહનચાલકોના જીવ જોખમમાં
મોરબી | ૧૮ ફેબ્રુઆરી: મોરબીના નેશનલ હાઈવે પર તંત્રની બેદરકારીના કારણે અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે, પરંતુ પોલીસ અને આરટીઓ વિભાગ જાણે કુંભકર્ણની નિંદ્રામાં પોઢી રહ્યું છે. હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો એક વીડિયો તંત્રની પોલ ખોલી રહ્યો છે, જેમાં એક ડમ્પર ચાલક બેફામ બની રોડ પર પ્રવાહી કચરો (રગડો) ઢોળતો નજરે પડે છે. આટલી ગંભીર બેદરકારી છતાં તંત્ર દ્વારા ડમ્પર ચાલક સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
RTO અને પોલીસની રહેમનજર?
વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે ડમ્પરમાંથી સતત કચરો ઢોળાવાને કારણે રસ્તો સફેદ થઈ ગયો છે અને ધૂળની ડમરીઓ ઉડી રહી છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે આ ડમ્પર પર કોઈ નંબર પ્લેટ પણ નથી. નંબર પ્લેટ વગરનું આ વાહન હાઈવે પર કેવી રીતે દોડે છે? શું આરટીઓ અને પોલીસ વિભાગની રહેમનજર હેઠળ આ બેફામ ડમ્પર ચાલકો નિર્દોષ લોકોના જીવ સાથે રમી રહ્યા છે?
જનતાની સુરક્ષા રામભરોસે
આ રગડાને કારણે ટુ-વ્હીલર ચાલકો માટે રસ્તો અત્યંત જોખમી અને લપસણો બની ગયો છે, જેનાથી અકસ્માતોની શક્યતા અનેકગણી વધી ગઈ છે. વારંવાર આવી ઘટનાઓ સામે આવવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી, જેના કારણે જનતામાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. શું પોલીસ અને RTO તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે?

