મોરબી

મોરબીમાં દાદા ભગવાનની ૧૧૮મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં આરતી અને પુસ્તક વિમોચન…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોરબીમાં દાદા ભગવાનની ૧૧૮મી જન્મજયંતિ મહોત્સવમાં ભાગ લીધો

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મોરબી ખાતે આયોજિત પૂજ્ય દાદા ભગવાનની ૧૧૮મી જન્મ જયંતિ મહોત્સવની ઉજવણીમાં સહપરિવાર સહભાગી બનીને ધન્યતા અનુભવી હતી. મહોત્સવના દ્વિતીય દિવસે મુખ્યમંત્રીશ્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં સત્સંગનું આયોજન થયું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે અને આત્મજ્ઞાની દીપકભાઈએ પરમ પૂજ્ય સીમંધર સ્વામી અને દાદા ભગવાનની પૂજન-અર્ચન તથા આરતી ઉતારીને સમગ્ર જગતના કલ્યાણની કામના કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ આત્મજ્ઞાની દીપકભાઈના આશીર્વાદ લીધા હતા, જેમણે મુખ્યમંત્રીને ‘જ્ઞાની પુરુષ પુસ્તક ભાગ-૬’ અર્પણ કર્યું હતું.આત્મજ્ઞાની દીપકભાઈનું પ્રવચન: જગત કલ્યાણ અને આત્મજ્ઞાનઆત્મજ્ઞાની દીપકભાઈએ સત્સંગમાં ઉપસ્થિત ભક્તોને આત્મજ્ઞાનનું પ્રવચન આપ્યું હતું. તેમણે આત્મા, કર્મ, દુનિયાના દુખોથી મુક્તિ, શુદ્ધ આત્મા, માનવની શક્તિ અને તેના જગત કલ્યાણ માટેના ઉપયોગ જેવા વિષયો પર પ્રકાશ પાડ્યો હતો. આધુનિક સમયના સંદર્ભમાં, તેમણે આર્ટીફિશ્યલ ઈન્ટેલીજન્ટ (AI)ના ઉદાહરણ સાથે જીવનના સાચા દ્રષ્ટિકોણ અને ક્ષણે-ક્ષણે જાગૃતિ કેળવવાની ભાવનાની સમજ આપી હતી. “જગત કલ્યાણના કાર્યોમાં સહયોગ આપીએ,” તેવી અપીલ શ્રી દીપકભાઈએ ઉપસ્થિત ભાવકોને કરી હતી. તેમણે અંતમાં જાહેરાત કરી કે આવતા વર્ષે દાદા ભગવાનની ૧૧૯મી જન્મ જયંતિની ઉજવણી ચરોતર પ્રદેશમાં કરવામાં આવશે.

મોરબીમાં આ ૧૧૮મી જન્મજયંતિ મહોત્સવનું ભવ્ય આયોજન ૦૩ નવેમ્બરથી ૦૯ નવેમ્બર સુધી કરવામાં આવ્યું છે. આ પ્રસંગે શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેઘી, રાજ્યસભાના સાંસદશ્રી કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્યશ્રીઓ દુર્લભજીભાઈ દેથરીયા અને મેઘજીભાઈ ચાવડા, પૂર્વ મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજા, પૂર્વ સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા સહિતના મહાનુભાવો અને દાદા ભગવાનના અનુયાયીઓ તથા મોરબીવાસીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચારને શેર કરો