ગ્રામ પંચાયતોમાં ચૂંટણી જાહેર નહીં થવાના દોષનો ટોપલો પંચે સરકાર પર નાખ્યો

રા જ્ય ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી જાહેર કરી તેમાં હજ્જારો ગ્રામ પંચાયતોની બાકી ચૂંટણી જાહેર કરાશે તેવી આશા હતી પરંતુ તે જાહેર ન થતા આશ્વર્ય ફેલાયું હતું. ગ્રામ પંચાયતની ચૂંટણી પેન્ડીંગ છે અને લાંબા સમયથી વહીવટદારનું શાસન છે. જો કે તેની ચૂંટણી જાહેર નથી કરાઇ તેનો દોષનો ટોપલો રાજ્ય ચૂંટણી પંચે રાજ્ય સરકાર પર ઢોળતા કહ્યું હતું કે, સરકાર તરફથી ગ્રામ પંચાયતોમાં ઓબીસી અનામત 27 ટકા પ્રમાણે કરવાના જાહેરનામાના નિયમો સુધારવાની જાણકારી દોઢ મહિના પહેલા જ અપાતા પ્રક્રિયા બાકી હોવાથી તેને બાકાત રખાઇ છે.

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 10 ટકા અનામત ઓબીસી સમાજ માટે હતી તે વધારીને 27 ટકા કરવા માટે ઝવેરી કમિશનના રિપોર્ટનો આધાર લઇ સરકારે સપ્ટેમ્બર-2023માં આ માટેનું વિધેયક પણ વિધાનસભામાં પસાર કરાવ્યું હતું. બીજી તરફ પોણા બે વર્ષથી જે ગ્રામ પંચાયતોમાં ચૂંટણી બાકી છે તેમાં વહીવટદારોનું શાસન ચાલી રહ્યું છે. તેની ચૂંટણી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત કરાશે ત્યારે સૌપ્રથમ કરાશે તેવી અપેક્ષા ભાજપ સમર્થિત સરપંચોથી લઇ કોંગ્રેસ સહિતના વિપક્ષો અને રાજકીય વર્તુળોમાં હતી. જો કે તેની જાહેરાત કરી ન હતી. આ મુદ્દે ચૂંટણીને લગતી પ્રેસ કોન્ફરન્સમાં રાજ્ય ચૂંટણી પંચના વડા ડો. એસ. મુરલી ક્રિષ્ણનને પૂછતા તેમણે કહ્યું હતું કે, 4 હજારથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી બાકી છે. તેમાં 27 ટકા ઓબીસી અનામત કરવાના નિયમો સહિતની જાણકારી રાજ્ય સરકાર દ્વારા દોઢ મહિના પહેલાં જ આપવામાં આવી છે. તેથી તે પ્રમાણે અનામત કરવાની પ્રક્રિયા છે તે બાકી છે જેને પૂર્ણ કરીને હાલની ચૂંટણીઓ પૂર્ણ થાય તે પછી ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત કરાશે.

આ સમાચારને શેર કરો