દરરોજ 25 સરકારી શાળાઓ બંધ થાય છે, નીતિ આયોગનો ચૌકાવનારો રિપોર્ટ…
દેશભરમાં 10 વર્ષમાં 94 હજારથી વધુ સરકારી શાળાઓ બંધ: નીતિ આયોગના અહેવાલે ચિંતાઓ વધારી
નવી દિલ્હી: દેશમાં છેલ્લા એક દાયકામાં સરકારી શાળાઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાનું નીતિ આયોગના અહેવાલમાં સામે આવ્યું છે. અહેવાલ મુજબ, છેલ્લા 10 વર્ષ દરમિયાન અંદાજે 94 હજાર શાળાઓ બંધ થઈ ગઈ છે, જેના કારણે આશરે 2.26 કરોડ વિદ્યાર્થીઓને પ્રવેશ અથવા અભ્યાસ સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે.
અહેવાલ અનુસાર સૌથી વધુ અસર ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં જોવા મળી છે, જ્યાં મળીને લગભગ 40 હજાર સરકારી શાળાઓ બંધ થઈ હોવાનું જણાવાયું છે.
આંકડાઓ દર્શાવે છે કે વર્ષ 2014-15માં દેશમાં 11.07 લાખ શાળાઓ કાર્યરત હતી, જ્યારે 2024-25માં આ સંખ્યા ઘટીને 10.13 લાખ પર પહોંચી છે. બીજી તરફ ખાનગી શાળાઓની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે.
અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે સરકારી સહાયિત શાળાઓની સંખ્યા પણ ઘટીને આશરે 79 હજાર રહી છે, જ્યારે ખાનગી શાળાઓની સંખ્યા વધીને લગભગ 3.39 લાખ સુધી પહોંચી ગઈ છે.


