Placeholder canvas

સરકારને પણ સ્કૂલ ફી મોંઘી લાગી ! ૨૫ ટકા ફી માફીનો લાભ સરકારે પણ ઉઠાવ્યો !

RTE હેઠળના છાત્રોની ફીમાં 25 ટકા બાદ કરી દેવા શાળાઓને સૂચના,સરકાર હવે સ્કૂલને RTEના વિદ્યાર્થી દીઠ માત્ર 7500 જ અપાશે : શાળા સંચાલક મહામંડળનો વિરોધ

કોરોના વાયરસની મહામારીના ફૂંફાડાના પગલે પ્રાથમિક-માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓને ઘેરબેઠા ઓનલાઈન શિક્ષણ પુરું પાડવામાં આવી રહ્યું હોય સરકાર દ્વારા વિદ્યાર્થીઓની સ્કૂલ ફીમાં 25 ટકાની રાહત આપવામાં આવી છે. તેની સાથોસાથ હવે આરટીઈ હેઠળ અભ્યાસ કરતા ગરીબ બાળકોની ફી કે જે સરકાર ચૂકવે છે. આ ફીમાં પણ 25 ટકા બાદ કરી દેવા સરકાર દ્વારા શાળા સંચાલકોને સૂચના આપતા તેની સામે શાળા સંચાલક મહામંડળે વિરોધ વ્યક્ત કરી સરકારના આ વલણ સામે નારાજગી વ્યક્ત કરી છે. શાળા સંચાલક મંડળના હોદેદારો સર્વશ્રીએ આ પરિપત્રને અન્યાયરુપ ગણાવી શાળાઓને આરટીઈની પૂરી ફી ચુકવવા સરકારને રજૂઆત કરી છે.

તેઓએ જણાવેલ છે કે ગુજરાત રાજ્યના શાળા સંચાલકોએ કોરોનાના વીપરીત કાળમાં હકારાત્મક અભિગમ દાખવી સતત શિક્ષણ કાર્ય ચાલુ રાખેલ અને વાલીઓને પડેલ મુશ્કેલીમાં સરકાર દ્વારા કરવામાં આવેલ અપીલ અને વિદ્યાર્થીઓ અને સમાજનાં વિશાળ હિતમાં ગત વર્ષ 2019-20 મુજબની જ સ્કૂલ ફી લેવા અને વર્ષ 20-21ની શૈક્ષણિક ફીમાં 25 ટકા જેવો અસહ્ય ઘટાડો સ્વીકારેલ. આ ફી ઘટાડાની સમજુતીનો ઉદેશ્ય વાલીઓને સહયોગ આપવાનો હતો. પરંતુ સરકાર દ્વારા વર્ષ 20-21ની આરટીઈના વિદ્યાર્થીઓની ફી કે જે ખરેખર હાઈકોર્ટના આદેશ મુજબ સરકાર દ્વારા એક વિદ્યાર્થી પાછળ થતાં ખર્ચ મુજબ ચૂકવવાની થાય છે. જે સરકારી આંકડાઓ મુજબ વિદ્યાર્થી દીઠ આશરે 40,000થી 45,000 જેટલો થાય છે. જેના બદલે સરકાર ફક્ત 10,000 રુપિયા જ વિદ્યાર્થી દીઠ ચૂકવે છે. તાજેતરના સરકારી પરિપત્ર મુજબ આ રકમમાં પણ 25 ટકા ઘટાડો કરવા સુચના અપાઈ છે.

જે મુજબ સ્કુલ્સને ફક્ત રુપિયા 7500 જ મળનાર છે. સરકાર દ્વારા સમાજનાં અનેક વર્ગને આર્થિક સહાય જાહેર થયેલ છે જે ખૂબ જ સારી વાત છે. શાળા સંચાલકો પણ વર્તમાન પરિસ્થિતિમાં ખુબ જ આર્થિક મુશ્કેલીઓ ભોગવી રહેલા છે. ત્યારે સરકાર દ્વારા હાઈકોર્ટના આદેશ મુજબ પુરી રકમ ચુકવવાને બદલે ફક્ત રુપિયા 7500 ચુકવવાનો નિર્ણય ખૂબ જ નિરાશાજનક છે. આરટીઈની પૂરી ફી ચૂકવવા તેઓએ માંગ ઉઠાવી છે.

આ સમાચારને શેર કરો