સૌરાષ્ટ્ર

રાજકોટ: 5 વર્ષમાં પહેલીવાર સરકારી ડિગ્રી ઇજનેરી કોલેજ હાઉસફુલ..!!

સરકારી અને ગ્રાન્ટેડ ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજોમાં છેલ્લા 5 વર્ષમાં પહેલીવાર અત્યાર સુધીમાં 90%થી વધુ સીટો ભરાઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. રાજ્યમાં રાજકોટ સહિત આશરે 20 જેટલી સરકારી અને ગ્રાન્ટેડ કોલેજો આવેલી છે જેમાં અત્યાર સુધીમાં કુલ ઇન્ટેકમાંથી 90%થી વધુ બેઠકો પર પ્રવેશ અપાઈ ગયો છે. હજુપણ ઓફલાઈન રાઉન્ડ દ્વારા પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે તેથી સંખ્યા હજુ વધવાની સંભાવના રહેલી છે.

બીજી બાજુ સરકારી અને ખાનગી બંને ઈજનેરી કોલેજોની વર્ષ 2023માં એટલે કે ગયા વર્ષે 53% બેઠકો ખાલી રહી હતી જ્યારે આ વર્ષે અત્યાર સુધી 44% બેઠકો ખાલી છે અને હજુ પ્રવેશ ચાલુ છે. એટલે કે ચાલુ વર્ષથી ઈજનેરીમાં વિદ્યાર્થીઓનો પ્રવાહ વધી રહ્યો હોય તેવું પ્રવેશના આંકડા પરથી લાગી રહ્યું છે. નિષ્ણાતો જણાવે છે કે, ચિપ ડિઝાઇન અને મેન્યુફેક્ચરને લગતા પ્લાન્ટ વધતા ઈજનેરીની ડિમાન્ડ ફરી વધવા લાગી છે.

રાજ્યમાં સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી એન્જિનિયરિંગ કોલેજોની કુલ 69 હજારથી વધુ સીટ છે. જેમાંથી ગયા વર્ષે એટલે કે 2023માં 37 હજારથી વધુ એટલે કે આશરે 53% સીટો ખાલી રહી હતી, પરંતુ આ વર્ષે વિદ્યાર્થીઓના પ્રવેશની સંખ્યા વધતા વર્ષ 2024માં અત્યાર સુધીમાં હવે 31 હજારથી વધુ સીટ એટલે કે 44% સીટ ખાલી છે અને હજુ ઓફલાઈન રાઉન્ડ ચાલુ છે. પ્રવેશ લેનારા વિદ્યાર્થીની સંખ્યા આગામી દિવસોમાં હજુ વધી શકે છે, પરંતુ છેલ્લા 5 વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે એન્જિનિયરિંગમાં સૌથી સારી સ્થિતિ હોવાનું નિષ્ણાત પ્રોફેસરો જણાવે છે.

આ સમાચારને શેર કરો