Placeholder canvas

નવા વર્ષના દિવસે દ્વારકામાં ભક્તોનું ઘોડાપૂર, ગિરનાર, ટેમ્પલ,રોપવેમાં લોકોનો ધસારો.

સોમનાથની બજારોમાં લોકોની ભારે ભીડથી કોરોના ગાઇડલાઇન્સનો ભંગ થતો જોવા મળ્યો

આજે નવા વર્ષના દિવસે સૌરાષ્ટ્રનાં ધાર્મિક સ્થળો પર ભાવિકોનું ઘોડાપૂર ઊમટી પડ્યું છે. 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનાં દર્શન કરવા માટે મંદિરમાં આજે ભાવિકોની લાંબી લાઈન લાગી હતી. ચારધામોમાં એક ધામ દ્વારકા જગત મંદિરમાં પણ દર્શન માટે ભાવિકોનું ઘોડાપૂર ઊમટી પડ્યું છે. ગિરનાર ટેમ્પલ રોપવેની સફર માણવા માટે લોકો ઊમટી પડ્યા છે. ભાવિકોના ધસારાથી ધાર્મિક સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઊડ્યા છે.

સોમનાથ મહાદેવ મંદિરે ભાવિકોની દર્શન માટે લાંબી લાઈન લાગી હતી, જેમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળી રહ્યો છે. સોમનાથ મહાદેવ મંદિરમાં દર્શન કરવા આવેલા ભાવિકોમાં કેટલાક ભાવિકો માસ્ક વગર પણ જોવા મળ્યા હતા. સોમનાથની બજારોમાં લોકોની ભારે ભીડથી જોવા મળી હતી.

યાત્રાધામ દ્વારકાધીશ જગત મંદિરમાં આજે વહેલી સવારે મંગળા આરતીથી જ ભાવિકોની ભીડ ઊમટી પડી હતી. દ્વારકામાં નવા વર્ષે પ્રથમ દિવસે પહેલા રાજાધિરાજનાં દર્શન કરીને સ્થાનિક ભક્તો અને દર્શનાર્થીઓએ પોતાના દિવસની શુભ શરૂઆત કરી હતી. આજે ભગવાન દ્વારકાધીશને પૂજારી પરિવાર દ્વારા વિશેષ શ્રૃંગાર કરવામાં આવ્યો છે. આજે ગોમતી સ્નાન અને દીપ તરાવવા માટે ભાવિકો ઊમટી પડ્યા છે. ભાઈબીજના ભાઇ તથા બહેન પવિત્ર ગોમતી નદીમાં સાથે સ્નાન કરવાનું મહત્ત્વ છે, આથી મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો ગોમતીઘાટ પર સ્નાન કરવા ઊમટી પડશે તથા સ્નાન કરી બહેન ગોમતીના જળમાં દીવો તરતો મૂકશે.

આ સમાચારને શેર કરો