ગાયત્રીનગરના પ્રશ્નોનો 15 દિવસમાં નિકાલ નહી થાય તો તાલુકા પંચાયત કચેરીએ ધરણાની ચીમકી…
વાંકાનેર : વાંકાનેર તાલુકાના ધરમનગર ગામે ગાયત્રીનગર વિસ્તારમાં પાણીની પાઈપલાઈન નાખવાની કામગીરી અંગે બે મહિના પહેલા પંચરોજકામ થઈ ગયું હોવા છતાં કામગીરી કરવામાં ન આવી હોય આ અંગે તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવાયું છે કે, ધરમનગર ગામે ગાયત્રીનગર વિસ્તારમાં પીવાના પાણીમાં ગટરના પાણીની દુર્ગંધ આવે છે. જે બાબતે ગ્રામજનોએ 2 જાન્યુઆરી, 2025ના રોજ લેખિત રજૂઆત કરી હતી. ત્યારબાદ 2 જાન્યુઆરી, 2025ના રોજ તાલુકા પંચાયતના એન્જિનિયર તથા તલાટી મંત્રી દ્વારા પંચરોજકામ કરવામાં આવ્યું હતું અને ગાયત્રીનગર પોઈન્ટથી પંચાસર બાયબાસ સુધી નવી ભુગર્ભ ગટર લાઈન નાખવાની જરૂરત છે તેમજ પાણીની નવી પાઈપલાઈન નાખવાની જાણ કરી હતી. પરંતુ આજ દિવસ સુધી ફરિયાદનો કોઈ ઉકેલ આવ્યો નથી. અમુક જગ્યાએ લાઈનો તૂટેલી હોવાથી ભુગર્ભ ગટરનું પાણી મિક્સ થઈ રહ્યું છે. જેના કારણે રહેવાસીઓ અવાર નવાર બિમાર પડે છે. વારંવાર આ અંગે રજૂઆતો કરવા છતાં કોઈ કામગીરી થઈ નથી. તાલુકા પંચાયતની ઘોર બેદરકારીના કારણે રહેવાસીઓ તકલીફનો સામનો કરી રહ્યા હોવાનું પણ જણાવ્યું છે. જો ગાયત્રીનગરના પ્રશ્નોનો 15 દિવસમાં નિકાલ નહી કરવામાં આવે તો તાલુકા પંચાયત કચેરીએ ધરણા પ્રદર્શન કરવાની પણ ચીમકી ઉચ્ચારાઈ છે.

