વાંકાનેર: કણકોટ ગેસ બોટલિંગ પ્લાન્ટમાં ‘ઘરના જ દીવે ઘર સળગ્યું’, ₹1.52 કરોડનો ગેસ સ્વાહા…
પ્લાન્ટ ઇન્ચાર્જ અને ઓપરેટરે કંપનીના વિશ્વાસના લીરેલીરા ઉડાડ્યા: 92 ટન ગેસ બારોબાર વેચી નાણાં ઓળવી ગયા
વાંકાનેર: વાંકાનેરના કણકોટ ગામે આવેલી ‘કોન્ફિડન્ટ પેટ્રોલિયમ ઇન્ડિયા લિમિટેડ’ કંપનીના પ્લાન્ટમાં વફાદારીના નામે મોટો વિશ્વાસઘાત ખેલાયો છે. જેમના શિરે પ્લાન્ટની સુરક્ષા અને સંચાલનની જવાબદારી હતી, તેવા જ બે મુખ્ય કર્મચારીઓએ જ દાનત બગાડીને કંપનીનો કરોડોની કિંમતનો એલપીજી ગેસ બારોબાર વેચી મારીને આખું કૌભાંડ આચર્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ, આ પ્લાન્ટમાં ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા સુરેશકુમાર ભેરૂલાલ મેઘવાલ અને ઓપરેટર ઇલ્યાસ નૂરમામદભાઈ પરાસરાએ મળીને કંપનીને મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું છે. કંપનીના ઓડિટ દરમિયાન સામે આવ્યું છે કે, આ બંને ભેજાબાજોએ ભેગા મળીને પ્લાન્ટમાંથી 92 ટન 656 કિલો ગેસનો જથ્થો કોઈને પણ ખબર ન પડે તે રીતે બારોબાર વેચી નાખ્યો હતો.
આંકડો સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી
બારોબાર વેચાયેલા આ ગેસના જથ્થાની બજાર કિંમત ₹1,52,88,240 (એક કરોડ બાવન લાખથી વધુ) થાય છે. આટલી મોટી રકમ કંપનીના ખાતામાં જમા કરાવવાને બદલે આરોપીઓએ પોતાના અંગત મોજશોખ માટે વાપરી નાખી હતી. વફાદારીના શપથ લેનારા કર્મચારીઓએ કંપનીની પીઠમાં ખંજર ભોંકીને પદ્ધતિસર રીતે ગેસની ચોરી કરી હતી.
કાયદાનો સકંજો કસાયો
આ મામલે નાગપુર સ્થિત કંપનીના પ્રતિનિધિ સુભાંગસિંગ બિજેન્દ્રપાલ સિંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકે બંને આરોપીઓ વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે. પોલીસે વિશ્વાસઘાત અને ઉચાપતનો ગુનો દાખલ કરી, ફરાર થયેલા બંને શખ્સોને પકડવા માટે અલગ-અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

