વાંકાનેર

વાંકાનેરમાં બંધ મકાનોના તાળા તોડી ચોરી કરતી વડોદરાની ગેંગ ઝબ્બે

પોલીસે બે શખ્સો અને એક સગીરને પકડ્યો : રૂ.1.20 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

વાંકાનેર : વાંકાનેર શહેરમાં ગત મહિને બંધ મકાનોને નિશાન બનાવી ચોરી કરતી ગેંગને ઝડપી પાડવામાં વાંકાનેર સીટી પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે વડોદરાથી બે શખ્સો અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને ઝડપી લઈ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે.

શું હતી ઘટના?

ગત તા. ૧૦/૦૧/૨૦૨૬ ના રોજ રાત્રી દરમ્યાન વાંકાનેર શહેરમાં અલગ અલગ સોસાયટીમાં બંધ મકાનોના તાળા અને નકુચા તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી થઈ હતી. આ અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૩૦૫, ૩૩૧(૪) મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.

પોલીસે કઈ રીતે ઉકેલ્યો ભેદ?

જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલની સુચના અને DySP એસ.એચ.સારડાના માર્ગદર્શન હેઠળ PI એચ.એ.જાડેજાની ટીમ આ ગુનો ઉકેલવા પ્રયત્નશીલ હતી. સર્વેલન્સ ટીમે ગુનાવાળી જગ્યાના સીસીટીવી ફૂટેજ તપાસી, ટેકનિકલ સોર્સ અને ટાવર ડમ્પની મદદ લીધી હતી. ટીમને મળેલી ખાનગી હકીકત અને ટેકનિકલ સર્વેલન્સના આધારે વડોદરાથી આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા.

પકડાયેલ આરોપીઓ:

૧. રાજાસિંઘ સતનામસિંઘ બાવરી/સિકલીકર (રહે. પ્રતાપગંજ, વડોદરા)
૨. કુલદિપસિંઘ બીરસિંઘ ટાંક/સિકલીકર (ઉ.વ.૨૭, રહે. સાકરદા, જિ. વડોદરા)
૩. એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર

રિકવરી અને ગુનાહિત ઇતિહાસ

પોલીસે આરોપીઓ પાસેથી આશરે ૭ તોલા વજનની સોનાની લગડી (કિંમત રૂ. ૧,૦૦,૦૦૦) અને રોકડા રૂ. ૨૦,૦૦૦ મળી કુલ રૂ. ૧,૨૦,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તેઓ વડોદરાથી મોટરસાયકલ લઈને આવતા અને રાત્રે સોસાયટીઓમાં ફરીને બંધ મકાનના તાળા લોખંડના સળીયા કે ડિસમિસથી તોડી ચોરી કરતા હતા. પકડાયેલ આરોપી કુલદિપસિંઘ અગાઉ બોરસદ, આણંદ રૂરલ અને આંકલાવમાં તેમજ આરોપી રાજાસિંઘ સાણંદ અને સયાજીગંજ (વડોદરા) પોલીસ મથકે ચોરીના ગુનામાં સંડોવાયેલા છે.

કામગીરી કરનાર ટીમ

આ સફળ કામગીરીમાં PI એચ.એ.જાડેજા સાથે હેડ કોન્સ્ટેબલ યશપાલસિંહ પરમાર, ધર્મેન્દ્રભાઇ વાધડીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, વિશ્વરાજસિંહ ઝાલા, રાણીંગભાઇ ખવડ, દર્શીતભાઇ વ્યાસ, હિતેન્દ્રસિંહ ઝાલા, જગદીશભાઇ રંગપરા અને સતિષભાઇ બસૈયા જોડાયા હતા.

આ સમાચારને શેર કરો