વાંકાનેર: ઘરે બેઠા રૂપિયા કમાવાની લાલચમાં રસિકગઢ ગામના યુવાને 48 લાખ રૂપિયા ગુમાવ્યા.!!
વધુ પૈસા તો હર કોઈને કમાવાની ઈચ્છા હોય પણ, વર્તમાન સમયમાં છેતરપિંડી અને ફ્રોડ થવા ના સમાચાર લગભગ દરરોજ વાંચવા મળે છે. ત્યારે ઘણી વખતે એવું બને છે કે વધુ પૈસા કમાવવાની ઈચ્છાઓ કે લાલચમાં ક્યારેક એવી ભૂલ કરી બેસીએ છી કે જેમના કારણે પૈસા ગુમાવવાનો વખત આવે છે. આવો જ એક કિસ્સો તાજેતરમાં વાંકાનેર તાલુકામાં ઘટ્યો છે.
વાંકાનેર: નેશનલ હાઈવે પર આવેલ મોનાલી ચેમ્બરમાં અરબાબ એજન્સી નામે પેઢી ચલાવતા રસીકગઢ ગામના યુવાનને ભેજાબાજો દ્વારા ટેલીગ્રામમાં વાતચીત કરી ઘરબેઠા રૂપિયા કમાવવાની લોભામણી લાલચ આપી રૂ. ૪૮,૦૩,૮૮૫ નું રોકાણ કરાવી બાદમાં વેપારીએ રૂપિયા પરત માંગતા રૂપિયા પરત નહી આપી છેતરપીંડી આચરવામાં આવી હોવાની ફરીયાદ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રસીકગઢ ગામે રહેતા અને ખેતી તથા વેપાર કરતા મકબુલહુસૈનભાઈ અલીભાઈ માથકિયા (ઉ.વ. ૩૮) એ મોરબી સાયબર ક્રાઇમ પોલીસમાં આરોપી ટેલીગ્રામ યુઝર, વોટ્સએપ યુઝર, યુપીઆઇ આઈડી, બેન્ક ધારક સહિત ૧૫ એકાઉન્ટ ધારકો વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે કે, આરોપીઓએ ફરીયાદીને ટાટા પ્રોજેકટના નામે જોબ વર્ક આપવાની ટેલીગ્રામ દ્વારા વાતચીત કરી,
ફરીયાદીને ઘર બેઠા રૂપીયા કમાવવાની લોભામણી લાલચ આપી રૂ. ૪૮,૦૩,૮૮૫ નું રોકાણ કરાવી બાદમાં ગલ્લાંતલ્લાં કરતા ફરીયાદીએ રૂપીયા પરત માંગતા આરોપીઓએ ‘ હજુ ટેકસની રકમ ભરો તો જ રૂપીયા પરત મળશે તેમ કહી ફરીયાદીને આજદિન સુધી રૂપીયા પરત નહીં આપી ફરીયાદી સાથે ગુન્હાહીત કાવતરૂ રચી વિશ્વાસઘાત-છેતરપીંડી કરી હોય જેથી હાલ આ મામલે પોલીસે યુવાનની ફરીયાદના આધારે ગુન્હો નોંધી, તપાસ શરૂ કરી છે….

