વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી લીધા, રૂ. 6,480 રોકડા કબજે
વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે કોટડા નાયાણી ગામે દેવીપૂજક વાસમાં દરોડો પાડી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે જુગારના સ્થળેથી રોકડ રકમ કબજે કરી ચારેય સામે જુગારધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન કોટડા નાયાણી ગામના દેવીપૂજક વાસમાં કેટલાક શખ્સો જાહેરમાં તીનપત્તીનો જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન પોલીસે તીનપત્તીનો જુગાર રમતા સલીમભાઈ આમદભાઈ ઠેબા, સતાભાઈ કડવાભાઈ વરૂ, મનસુખભાઈ જક્સીભાઈ સોલંકી તથા પોપટભાઈ બોદુભાઈ કાતીયાર, તમામ રહે. કોટડા નાયાણી ગામ, તા. વાંકાનેર,ને ઝડપી લીધા હતા.
પોલીસે જુગારના સ્થળેથી રોકડા રૂ. 6,480 કબજે કર્યા હતા. આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
