Placeholder canvas

ગુજરાતમાં પહેલીવાર એક સાથે 25 ગુજરાતી બનશે IPS

કચ્છના ત્રણ, જામનગરના બે, ભાવનગરના બે, મોરબીના બે, અમરેલીના બે, સુરેન્દ્રનગરના બે અને રાજકોટના એક અધિકારીની પસંદગી

રાજકોટ: ઈન્ડિયન પોલીસ સર્વિસ (IPS) બનવાનું હર કોઈનું સ્વપ્ન હોય છે અને તેને પૂર્ણ કરવા માટે રાત-દિવસ એક પણ કરવામાં આવતા હોય છે. ખાખી પહેરીને દેશસેવા કરવાથી વિશેષ બીજું કશું હોઈ પણ ન શકે એટલા માટે ખાખીનો માભો જ કંઈક અલગ હોય છે. બીજી બાજુ અનેક ક્ષેત્રમાં ઈતિહાસ રચ્યા બાદ હવે પોલીસમાં પણ ગુજરાત હરણફાળ ભરી રહ્યું હોય તેવી રીતે ઈતિહાસમાં પહેલી વખત એક સાથે 25 જેટલા ગુજરાતીઓને આઈપીએસનું પ્રમોશન મળવા જઈ રહ્યું છે.

આ 25 ગુજરાતીઓમાં હાલ રાજકોટના ઝોન-2 ડીસીપી મનોહરસિંહ જાડેજા ઉપરાંત રાજકોટમાં એસીપી તરીકે ફરજ બજાવી ચૂકેલા હર્ષદ મહેતા તેમજ ડૉ.હર્ષદ પટેલ સહિતનાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મુળ રાજકોટના એવા ભગીરથસિંહ યુ.જાડેજા પણ આઈપીએસના પ્રમોશન માટે નોમિનેટ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. એકંદરે 25 અધિકારીઓમાં સૌરાષ્ટ્ર-કચ્છના 14 જેટલા અધિકારીઓ સમાવિષ્ટ છે.

આ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટૂંક સમયમાં 25 જેટલા ડીવાયએસપી તરીકે ભરતી થયેલા અધિકારીઓને આઈપીએસ તરીકે પ્રમોશન આપવામાં આવશે. આ અંગેની પ્રક્રિયાઓ પણ પૂર્ણ થઈ ગયાનું રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયાએ જણાવ્યું છે ત્યારે આવનારા દિવસોમાં એક સાથે 25 જેટલા ગુજરાતી અધિકારી આઈપીએસ તરીકે ફરજ બજાવશે. જે ડીવાયએસપીને આઈપીએસનું પ્રમોશન મળવાનું છે તેમાં સુરતના ડીસીપી પન્ના મોમાયા, રાજકોટમાં એસીપી ક્રાઈમ તેમજ હાલ અમદાવાદના ડીસીપી (કંટ્રોલરૂમ) ડૉ.હર્ષદ પટેલ, અમદાવાદ ઝોન-4ના ડીસીપી રાજેશ એચ.ગઢિયા સહિત 25 ડીવાયએસપીનો સમાવેશ થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ગુજરાતમાં આઈપીએસ અધિકારીઓની નિમણૂક 2:1 રેશિયોના આધારે કરવામાં આવી રહી છે જેમાં ડાયરેક્ટ યુપીએસસી ક્લિયર કરનાર બે, જીપીએસસી ક્લિયર કરીને પ્રમોશન લેનાર એક આઈપીએસ હોય છે પરંતુ ગુજરાતના ઈતિહાસમાં એક સાથે 25 આઈપીએસ બન્યા હોય તેવું આ પહેલાં ક્યારેય બન્યું નથી. જો કે આ વખતે 2011ની બેચના ડીવાયએસપી બનેલા જીપીએસસીના અધિકારીઓની બેચને આ લાભ મળશે.

દરમિયાન જાણવા મળ્યા પ્રમાણે 2011ની બેચના પાસ થયેલા 35 જેટલા ડીવાયએસપી જિલ્લામાં એસપી તરીકે તેમજ શહેરમાં ડીએસપી તરીકે નિમણૂક પામ્યા છે અને હવે તેમને ટૂંક સમયમાં મહત્ત્વની જગ્યાએ પોસ્ટીંગ પણ આપવામાં આવશે. આ પહેલાં ગુજરાત કેડરના ચાર આઈપીએસ અધિકારીઓ એવા સજ્જનસિંહ પરમાર, અશોક મુનિયા, મયૂર ચાવડા અને ઉષા રાડાને આઈપીએસ કેડર ફાળવવામાં આવી હતી.

આ સમાચારને શેર કરો