વાંકાનેર પાલિકાના કર્મચારી સામે મહિલાને ધાક ધમકી આપ્યાની ફરિયાદ દાખલ

નગરપાલિકા કર્મીએ ફરિયાદ નોંધાવતાની સાથે મહિલાઓએ હંગામો મચાવતા પોલીસને વળતી ફરિયાદ દાખલ કરવી પડી

વાંકાનેર : વકાનેરની આશિયાના સોસાયટીમાં ભૂતિયા નળ કનકેશન કાપવા મુદ્દે નગરપાલિકાના કર્મચારીઓ અને સ્થાનિકો વચ્ચે થયેલી માથાકૂટનો ગઈકાલે અંત આવ્યો છે. જેમાં ગઈકાલે નગરપાલિકાના કર્મીની પોલીસે ફરિયાદ નોંધતા નગરપાલિકા કર્મચારીઓએ હડતાળ સમેટી હતી. જ્યારે સામાપક્ષની મહિલાઓ પોલીસ સ્ટેશનમાં હંગામો મચાવતા અંતે પોલીસે પાલિકા કર્મચારી સામે પણ મહિલાને ધક્કો મારી ધાક ધમકી આપ્યાની ફરિયાદ દાખલ કરી છે.

વાંકાનેર નગરપાલિકાના 160 જેટલા કર્મચારીઓ ત્રણ દિવસ પહેલા હડતાલ ઉપર ઉતરી ગયા હતા. આ કર્મચારીઓના કહેવા મુજબ આશિયાના સોસાયટીમાં ભૂતિયા નળ કનેક્શન કાપવા મુદ્દે નગરપાલિકા તંત્ર અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું.જેમાં પાલિકાના એક કર્મી સાથે સ્થાનિકોએ ગેરવર્તન કર્યું હોવાનું પોલીસ સમક્ષ વારંવાર નિવેદન નોંધવવા છતાં પોલીસ ફરિયાદ નોંધતી ન હોવાથી કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરી ગયા હતા. દરમિયાન ગઈકાલે પોલીસે પાલિકાના કર્મચારીની વિધિવત ફરિયાદ દાખલ કરતા વાંકાનેર નગરપાલિકાના કર્મચારીઓએ હડતાલ સમેટી લેવાની જાહેરાત કરી હતી.

બીજી તરફ આશિયાના સોસાયટીના બે લોકો સામે ફરિયાદ નોંધાતા સ્થાનિક લોકો ગઈકાલે પોલીસ મથકે ઉમટી પડ્યા હતા અને આ વિસ્તારની મહિલાઓએ સામી ફરિયાદ નોંધવવા હંગામો મચાવ્યો હતો.આથી પોલીસે વળતી ફરિયાદ પણ દાખલ કરી છે. જેમાં ગીતાબેન મુકેશભાઇ મકવાણા (ઉવ. ૩૫ ધંધો ઘરકામ-મજુરી રહે વાંકાનેર આશિયાના સોસાયટી)એ વાંકાનેર નગર પાલીકાના કર્મચારી અશોકભાઇ રાવલ સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી નગર પાલીકાના કર્મચારી હોય જેથી ફરીયાદીના રહેણાક વિસ્તાર આશિયાના સોસાયટીમાં ગેરકાયેદસર નળ કનેકશનની શંકા હોય જેથી ચેક કરવા જતા ફરીયાદી તથા સાહેદો ભેગા થઇ જતા આરોપીએ ફરીયાદીને ગાળો બોલી ધકકો મારતા પડી જતા મુંઢ માર લાગતા ધાકધમકી આપી હતી.

આ સમાચારને શેર કરો