વાંકાનેર: ધમલપર ગામે મૈત્રીકરારના રૂપિયા મામલે યુવતીના પરિવારજનોએ કર્યો હુમલો…


યુવકના માતા- પિતા તેમજ યુવકને માર માર્યો, પત્નીનું અપહરણ કરી ગયા
વાંકાનેર : વાંકાનેર તાલુકાના ધમલપર ગામે રહેતા ભરવાડ પરિવારના યુવકે રાજકોટની યુવતીના પિતાને 15 લાખ રૂપિયા આપવાની શરતે મૈત્રીકરાર કર્યા હોય જેમાં પૈસા બાબતે ઝઘડો થતા યુવતીના બે ભાઈ તેમજ અન્ય લોકોએ ધમલપર ખાતે આવી હુમલો કરી યુવતીનું અપહરણ કરી જતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

આ બનાવની મળેલ માહિતી મુજબ વાંકાનેરના ધમલપર ગામની સીમમાં વાડીમાં રહેતા મનોજભાઈ હીરાભાઈ સરૈયા ઉ.24 નામના યુવાને આરોપી ગોપાલભાઈ ભુપતભાઇ બાંભવા, વિજયભાઈ ભુપતભાઇ બાંભવા બન્ને રહે.રાજકોટ તેમજ જગાભાઈ કાટોળીયા રહે.ઉંચી માંડલ તેમજ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપી ગોપાલ અને વિજયની બહેન કિંજલ સાથે રૂપિયા 15 લાખ ચુકવવાની શરતે મૈત્રી કરાર કર્યા હોય તા.24ના રોજ આરોપીઓએ રાત્રીના ધમલપર વાડીએ આવી પૈસાની ઉઘરાણી કરી ઝઘડો કર્યો હતો.
મનોજભાઈએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે કિંજલના અગાઉ લગ્ન થઈ ગયા હોય પરંતુ તેણીનો પતિ દારૂ પી હેરાન કરતો હોય કિંજલ સાથે મૈત્રી કરાર કર્યા હતા અને છૂટાછેડા થાય ત્યારે બાદ લગ્ન કરવા અને પૈસા આપવા નક્કી કરાયું હતું છતાં આરોપીઓએ પૈસા માટે ઉઘરાણી કરી હુમલો કર્યો હતો. આ હુમલામાં ફરિયાદી મનોજભાઈના માતાપિતા તેમજ અન્ય લોકોને ઇજાઓ પહોંચતા અમદાવાદ તેમજ રાજકોટ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હોવાનું તેમજ આરોપીઓ ફરિયાદીની પત્ની કિંજલનું અપહરણ કરી ગયાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
