મિતાણા નજીક ફેક્ટરીમાં મજૂરો અને માલવાહક વાહનચાલકો વચ્ચે મારામારી, તંગદિલી વચ્ચે પોલીસનો કાફલો ખડકાયો
ટંકારાના મિતાણા નજીક આવેલી એક ફેક્ટરીમાં મજૂરો અને માલવાહક વાહનચાલકો વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે. સાંજના સમયે બનેલી આ ઘટનાને પગલે મિતાણા-નેકનામ રોડ પર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખી પોલીસના ધાડેધાડા ઉતારવાની ફરજ પડી હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાથમિક માહિતી મુજબ ફેક્ટરીમાં માલનું અનલોડિંગ કરવા જેવી બાબતને લઈને મજૂરો અને વાહનચાલકો વચ્ચે બોલાચાલી થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે મારામારી પાછળનું ચોક્કસ કારણ શું હતું તે અંગે પોલીસ તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે.
ઘટનાને પગલે સ્થળ પર ભારે તંગદિલી સર્જાઈ હતી અને મારામારીમાં ઈજાગ્રસ્ત થયેલા કેટલાક લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. સમગ્ર મામલો માઈગ્રન્ટ મજૂરો અને સ્થાનિક લોકો વચ્ચેની અથડામણ હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.
ઘટનાની ગંભીરતાને જોતા કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. જોકે આજે સવારે 8:30 વાગ્યા સુધીની સ્થિતિ મુજબ મારામારી અંગે કોઈ સત્તાવાર ગુનો નોંધાયો નથી. પોલીસ દ્વારા ઈજાગ્રસ્તોના નિવેદનો તેમજ સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને તપાસના આધારે ગુનો નોંધાઈ કાયદેસરની કાર્યવાહી થવાની પૂરી શક્યતા છે.
પોલીસ તરફથી સત્તાવાર માહિતી મેળવવાની પ્રક્રિયા ચાલુ છે. સત્તાવાર વિગતો બહાર આવ્યા બાદ જ ઘટનાનું ચોક્કસ કારણ, ઈજાગ્રસ્તોની સંખ્યા અને જવાબદારો સામેની કાર્યવાહી અંગે વધુ સ્પષ્ટતા થશે.


