મોરબીમાં વ્યાજખોરોએ દેવામાં ફસાયેલા યુવક પાસેથી બળજબરીથી બે ફ્લેટના દસ્તાવેજો કરાવી લીધા, પિતા-પુત્રને જાનથી મારી નાખવાની ધમકી

મોરબી: મોરબી જિલ્લામાં વ્યાજખોરોના ત્રાસનો વધુ એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક મહિલાના પતિ જુગારમાં હારેલી રકમ ચૂકવવા માટે વ્યાજે પૈસા લેતા વ્યાજખોરોએ તેમની પાસેથી બ્લેકમેલ કરીને બે ફ્લેટના વેચાણ દસ્તાવેજ કરાવી લીધા હતા અને ત્યારબાદ વ્યાજ ન ચૂકવાતા પતિ અને સસરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

મોરબીના રવાપર રોડ પર ઉમિયા સોસાયટી, રામભક્તિ એપાર્ટમેન્ટ સામે રહેતા ડિમ્પલબેન અમિતાભ વડગામા (ઉં.વ. ૩૭) એ આ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
​ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેમના પતિ અમિતાભભાઈ આરોપી દિપકસિંહ વાઘેલા (રહે. નાની બજાર, મોરબી) સાથે જુગાર રમતા હતા, જેમાં તેઓ રૂપિયા ૨૨ લાખ હારી ગયા હતા. આ રકમ ચૂકવવા માટે અમિતાભભાઈએ:
​આકાશ કાથરાણી (રહે. રાજકોટ) પાસેથી પાંચ ટકાના વ્યાજે રૂપિયા ૧૦ લાખ લીધા હતા. વ્યાજ સહિતની રકમની પઠાણી ઉઘરાણી કરતા આરોપી આકાશે ફરિયાદીના પતિ અમિતાભભાઈને ધાકધમકી આપી બળજબરીપૂર્વક બે ફ્લેટના વેચાણ દસ્તાવેજ કરાવી લીધા હતા.

આ ઉપરાંત, દિપકસિંહને રૂપિયા આપવા માટે અમિતાભભાઈએ રમેશભાઈ રામભાઈ બોરીચા (રહે. પંચવટી સોસાયટી, મોરબી) પાસેથી પાંચ ટકાના વ્યાજે રૂપિયા ૫.૫ લાખ અને ભગવાનભાઈ કુંભરવાડિયા (રહે. શિવ શક્તિ સોસાયટી, મોરબી) પાસેથી પાંચ ટકાના વ્યાજે રૂપિયા ૨.૫ લાખ લીધા હતા. અમિતાભભાઈ છેલ્લા બે મહિનાથી નાદુરસ્ત તબિયતના કારણે વ્યાજની રકમ ચૂકવી શક્યા ન હતા. આથી, તમામ આરોપીઓએ તેમની વ્યાજ અને મૂળ રકમ મેળવવા માટે ફરિયાદીના પતિ અમિતાભભાઈ અને તેમના સસરાને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ડીમ્પલબેન વડગામાની ફરિયાદના આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આરોપીઓ દિપકસિંહ વાઘેલા, આકાશ કાથરાણી, રમેશભાઈ રામભાઈ બોરીચા અને ભગવાનભાઈ કુંભરવાડિયા વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો