વાંકાનેર

વાંકાનેર: ટ્રકની હડફેટે આધેડનો પગ કપાયો; પાડધરા-માટેલ રોડ પર ગમખ્વાર અકસ્માત

બેફામ દોડતા ટ્રક ચાલકે પગ પર ટાયર ફેરવી દીધું; ઇન્ફેક્શન વધી જતાં સાથળથી નીચેનો ભાગ કાપવો પડ્યો; પોલીસ ફરિયાદ નોંધાઈ

વાંકાનેર તાલુકાના પાડધરા ચોકડીથી માટેલ જવાના માર્ગ પર એક બેફામ ગતિએ આવતા ટ્રક ચાલકે ચાલતા જઈ રહેલા આધેડને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં આધેડના પગ પર ટ્રકનું ટાયર ફરી વળતા ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના પરિણામે અંતે ડોક્ટરોએ તેમનો પગ કાપવાની ફરજ પડી હતી. આ મામલે આધેડના પુત્રએ વાંકાનેર તાલુકા પોલીસ મથકે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે.

મૂળ પોરબંદરના વતની અને હાલ મુંબઈ સ્થિત આનંદભાઈ પ્રવીણભાઈ કારિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના પિતા પ્રવીણભાઈ જીવનભાઈ કારિયા પાડધરા ચોકડી પાસે આવેલા ગણેશ વે-બ્રિજ પાસેથી પગપાળા પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન જીજે ૩૨ ટી ૬૫૫૫ નંબરના ટ્રક ચાલકે ગફલતભરી રીતે વાહન ચલાવી પ્રવીણભાઈને જોરદાર ટક્કર મારી હતી.

સારવાર દરમિયાન પગ ગુમાવવો પડ્યો
ટક્કર લાગતા પ્રવીણભાઈ રસ્તા પર પટકાયા હતા અને ટ્રકનું ટાયર તેમના ડાબા પગ પરથી પસાર થઈ ગયું હતું. ગંભીર રીતે ઇજાગ્રસ્ત આધેડને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, ઈજા એટલી ગંભીર હતી કે પગમાં ઇન્ફેક્શન ફેલાઈ ગયું હતું, જેને કારણે ડોક્ટરોએ ઓપરેશન કરી સાથળથી નીચેનો ભાગ કાપી નાખવો પડ્યો હતો. આ અકસ્માતમાં અન્ય એક સાહેદને પણ ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

પુત્ર આનંદભાઈની ફરિયાદના આધારે વાંકાનેર તાલુકા પોલીસે ટ્રક નંબર જીજે ૩૨ ટી ૬૫૫૫ ના ચાલક વિરુદ્ધ આઈપીસી અને મોટર વ્હીકલ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો