Placeholder canvas

દ.ગુજરાતમાં સાંબેલાધાર અને સુરેન્દ્રનગરનાં ખેડૂતો વરસાદની રાહ જોઇ રહ્યાં છે.

ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ વરસી રહ્યો છે. પરંતુ અમદાવાદ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ઓછો વરસાદ થયો છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે. 20 જુલાઈએ રાજ્યમાં કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છુટો છવાયો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ હળવો વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, રાજકોટ, ભાવનગરમાં વરસાદ વરસી શકે છે. અમરેલી, પોરબંદર, ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં તો હજી ઉકળાટ રહે તેવી સંભાવના છે. અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય ઝાપટાની આગાહી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, દાદરાનગર હવેલી વરસાદ વરસી શકે છે.

જ્યારે બીજી બાજુ સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી બની છે. વાવેતર બાદ વરસાદ ન આવતા ખેડૂતોની ચિંતા વધી છે. બીજી તરફ જળાશયોના પાણીના સ્તર ઘટવા લાગ્યા છે. આગામી દિવસોમાં સારો વરસાદ ન થાય તો સુરેન્દ્રનગર જિલ્લાના અનેક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા વિકટ બનવાની શક્યતાઓ તોળાઇ રહી છે.

અહીં આકાશમાં વાદળો છવાયેલા રહે છે પણ વરસાદ પડતો નથી. જેના કારણે ખેડુતોમાં ચિંતાની લાગણી ફેલાઈ છે. આગામી દિવસોમાં વરસાદ ન થાય તો વાવેલુ બિયારણ બળી જવાથી ખેડુતોને નુકશાન જવાની દહેશત વ્યકત થઈ રહી છે.

આ સમાચારને શેર કરો