મોરબીના જેતપરમાં વીજપોલ મુદ્દે આગામી રણનીતિ માટે ખેડૂતોની બેઠકનું આયોજન, વિવિધ જિલ્લાઓના ખેડૂતોને જોડાવા અપીલ…
મોરબી: ગુજરાતમાં વીજ કંપનીઓ દ્વારા ખેડૂતોના ખેતરોમાં ઉભા કરવામાં આવતા વીજ પોલ અને વીજ લાઈન માટે યોગ્ય વળતર મળવાની માંગ સાથે મોરબી જિલ્લાના જેતપર ગામે ખેડૂતોની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજકો દ્વારા રાજ્યના વિવિધ તાલુકા અને જિલ્લા સ્તરના ખેડૂતોને આ બેઠકમાં જોડાવા માટે અપીલ કરવામાં આવી છે.
આ બેઠક તા. 8 જુલાઈ, 2026ના રોજ રાત્રે 8:00 વાગ્યે જેતપર (મચ્છુ), તા. જી. મોરબી ખાતે યોજાશે. આયોજકોનું કહેવું છે કે ખેડૂતોને જાગૃત કરવા તેમજ આગામી લડત માટે એકતા મજબૂત બનાવવા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
આ બેઠકમાં મોરબી ઉપરાંત રાજકોટ, જામનગર, દ્વારકા, ગીરસોમનાથ, જુનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, કચ્છ અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને ખાસ હાજરી આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.
આયોજકે સ્પષ્ટ કહ્યુ છે કે આ કાર્યક્રમમાં કોઈપણ રાજકીય પક્ષના હોદ્દેદારોને આવવાનું નથી અને ખેડૂતોને બિનરાજકીય રીતે આંદોલનમાં જોડાવા અપીલ કરવામાં આવી છે.
આ બેઠક દરમિયાન વીજ કંપનીઓ દ્વારા ખેડૂતોની જમીનમાં ઊભા કરવામાં આવતા વીજ પોલ અને વીજ લાઈન સામે વળતર સહિતના પ્રશ્નો અંગે આગામી રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે.


