વાંકાનેરના પીપળીયારાજ ગામે રસ્તા પરથી પશુઓ હટાવવાનું કહેતા માલધારીનો ખેડૂત પર હુમલો

લાકડીના ઘા મારી ખેડૂતને લોહીલુહાણ કર્યો, ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી; તાલુકા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામે રસ્તા પરથી ગાય-બકરાં સાઈડમાં લેવા બાબતે થયેલા બોલાચાલી બાદ એક માલધારીએ આધેડ ખેડૂત પર લાકડી વડે હુમલો કરી માથાના ભાગે ઈજા પહોંચાડ્યાની ઘટના સામે આવી છે. હુમલા બાદ ખેડૂતને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો પણ આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. બનાવ અંગે ઇજાગ્રસ્ત ખેડૂતે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામે રહેતા ઇલ્મુદીનભાઈ મામદભાઈ માથકીયા (ઉ.વ. 46) પોતાની પત્ની સાથે પાવર ટિલર ટ્રેક્ટર ટ્રોલી સાથે લઈને વાડીએ જઈ રહ્યા હતા. દરમિયાન ગાડા માર્ગ પર હિરાભાઈ જેસાભાઈ ટોટા પોતાના પશુઓ લઈને ધીમે ધીમે જઈ રહ્યા હતા.

આ સમયે ઇલ્મુદીનભાઈએ ટ્રેક્ટર પસાર કરવા માટે રસ્તો આપવા તેમજ પશુઓને સાઈડમાં લેવા જણાવતાં હિરાભાઈ ઉશ્કેરાઈ ગયા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. ત્યારબાદ બોલાચાલી ઉગ્ર બનતાં હિરાભાઈએ લાકડી વડે ઇલ્મુદીનભાઈ પર હુમલો કર્યો હતો. હુમલામાં તેમના માથાના ભાગે ઈજા થતાં તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા.

આરોપીએ હુમલા બાદ ઇલ્મુદીનભાઈને ભૂંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી. બનાવને પગલે ઇજાગ્રસ્ત ખેડૂતે વાંકાનેર તાલુકા પોલીસ મથકનો સંપર્ક કરી હિરાભાઈ જેસાભાઈ ટોટા સામે ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદના આધારે વાંકાનેર તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો

Follow Us on