ગુજરાતમાંથી ચોમાસાની વિદાય: હવે ઠંડીનું થશે આગમન
આ વર્ષે લાંબો વખત ચાલેલુ ચોમાસુ હવે ગુજરાતમાંથી પાછુ ખેંચાઈ ગયુ છે અને આવતા બે દિવસમાં પુરા દેશમાંથી વિદાય લઈ લેશે તેવું જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે જણાવ્યું હતું.
આજે તેઓએ પત્રકાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નૈઋત્ય ચોમાસાએ આ સમગ્ર ઉતરીય અરબી સમુદ્ર તથા સૌરાષ્ટ્ર-ગુજરાતના બાકીના ભાગોમાંથી વિદાય લઈ લીધી છે. આ સિવાય મહારાષ્ટ્રના કેટલાંક ભાગો, આંધ્રપ્રદેશ તથા તેલંગાણાના સમગ્ર વિસ્તારો, સમગ્ર છતીસગઢ, ઓડીશા, ઝારખંડના કેટલાક ભાગો તેમજ પશ્ર્ચીમ બંગાળના વધુ ભાગોમાંથી વિદાય લઈ લીધી છે.
આવતા બે દિવસમાં બંગાળની ખાડી, આંધ્રપ્રદેશ તથા તામીલનાડુ આસપાસના ભાગોમાં ઉતરપુર્વના પવન છવાશે તેથી નૈઋત્ય ચોમાસુ સમગ્ર દેશમાંથી પાછુ ખેંચાઈ જશે. સાથોસાથ ઉતરપુર્વ ચોમાસુ દક્ષિણના તામીલનાડુ, પોંડીચેરી, કાંઠાળ આંધ્રપ્રદેશ તથા તેને લાગુ કર્ણાટક-કેરળામાં પ્રવેશશે.
તેઓએ કહ્યું કે હાલમાં મહતમ અને ન્યુનતમ તાપમાન નોર્મલ આસપાસ આવી ગયા છે. રાજકોટનું મહતમ તાપમાન નોર્મલ 35 ડીગ્રી તથા ન્યુનતમ 21 ડીગ્રી છે તે આજે અનુક્રમે 35.7 તથા 22 ડીગ્રી હતું.તા.26 ઓકટોબરથી બે નવેમ્બરની આગાહી અંતર્ગત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં તાપમાનમાં આંશિક ઘટાડો થશે છતાં તે નોર્મલ આસપાસ જ રહેવાની શકયતા છે. અત્યારે રાજયમાં શિયાળુ પવનની લહેરખી જોવા મળે છે છતાં દિવસ દરમ્યાન પવનો ફરતા રહેશે અટલે મીશ્ર ઋતુનો અહેસાસ થશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ભેજનું પ્રમાણ ઘટી ગયુ હોવાથી તાપમાન સુકુ રહેશે. એકાદ-બે દિવસ ભેજ 60 ટકાએ પહોંચશે છતાં વાતાવરણ સૂકુ જ બની રહેશે.