સૌરાષ્ટ્ર

કુવાડવામાં છ મહિનાથી કિલિનિક ચાલવતો બોગસ તબીબ ઝડપાયો

રાજકોટ: કુવાડવા ગામમાં ડિગ્રી વગર ક્લિનિક ચલાવનાર બોગસ ડોક્ટરને એસોજીની ટીમે ઝડપી લીધો હતો. પોલીસે અહીંથી દવા અને મેડિકલ સાધન સહિત રૂપિયા 26,121 ના મુદ્દામાલ કબજે કર્યો હતો. ડિગ્રી વગર પ્રેક્ટિસ કરનાર આ શખસ મેડિકલ પ્રેક્ટિસનર એક હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજાની રાહબરી હેઠળ પી.એસ.આઇ એસ.એમ.ઘાસુરા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એવી માહિતી મળી હતી કે, રાજકોટની ભાગોળે કુવાડવા ગામમાં વછરાજ ક્લિનિક ચલાવતા શખસ પાસે મેડિકલ પ્રેક્ટિસ અંગેની કોઈ ડીગ્રી ન હોવા છતાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યો છે.

આ માહિતીના આધારે પોલીસની ટીમે અહીં દરોડો પાડી અહીં વછરાજ ક્લિનિક નામના દવાખાનામાં એક વ્યક્તિ ખુરશી પર બેઠો હોય ટેબલ પર સ્ટેથોસ્કોપ તથા દવાઓ પડી હતી. દર્દીની સારવાર માટે બે બેડમાં રાખવામાં આવ્યા હતા. પોલીસે ખુરશી પર બેઠેલા આ શખસની પુછતાછ કરતા તેણે પોતાનું નામ રાજ વિનોદભાઈ કુબાવત (ઉ.વ 31) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસેથી મેડિકલ પ્રેક્ટિસ અંગેનું સર્ટિફિકેટ માંગતા તે આવું કોઈ સર્ટિ. રજૂ કરી શક્યો ન હતો જેથી પોલીસે અહીંથી મેડિકલને લગતા સાધનો દવા સહિત રૂપિયા 26,121 નો મુદ્દામાલ કબજે કરી આ શખસ સામે મેડિકલ પ્રેક્ટિસનર એકટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

પોલીસે વિશેષમાં જણાવ્યું હતું કે, રાજ કુબાવત નામના આ શખસે હોમીઓપેથીનો કોર્સ કર્યાનું રટણ કર્યું છે જોકે તે અંગેનું પ્રમાણપત્ર પણ તે આપી શક્યો ન હતો. અહીં છેલ્લા છ મહિનાથી ક્લિનિક ચલાવતો હતો જેમાં દર્દીઓને દાખલ કરી બાટલા પણ ચડાવતો હતો. દવાખાનામાં વીજ કનેક્શન પણ મેળવવામાં આવ્યું ન હતું બાજુના ગેરેજમાંથી વાયર ખેંચવામાં આવ્યુ હતું.

આ સમાચારને શેર કરો