સૌરાષ્ટ્ર

રાજકોટમાં નકલી નોટોનું કારસ્તાન પકડાયું: રૈયાધાર મફતિયાપરામાં SOGના દરોડા


ઘરે જ પ્રિન્ટર વડે રૂ. 100 અને 200ની નોટો છાપતો નૈતિક અગ્રાવત રંગેહાથ ઝડપાયો; પોલીસે છાપકામના સાધનો કબજે કર્યા

રાજકોટ: રાજકોટ શહેર પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે નકલી ચલણી નોટોના ગેરકાયદેસર કારોબારનો પર્દાફાશ કરી એક યુવાનની ધરપકડ કરી છે. શહેરના રૈયાધાર મફતિયાપરા વિસ્તારમાં રહેતો નૈતિક અગ્રાવત પોતાના ઘરે જ નકલી નોટો છાપી રહ્યો હોવાની બાતમીના આધારે SOGએ ઓચિંતો દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીથી સ્થાનિકોમાં અને નકલી નોટોનું નેટવર્ક ચલાવતા તત્વોમાં ભારે ચર્ચા જાગી છે.

ઘરે જ બનાવતો હતો નકલી ચલણ
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી નૈતિક અગ્રાવત કોઈની શંકા ન જાય તે માટે પોતાના ઘરે જ નકલી નોટો છાપવાનું કામ કરી રહ્યો હતો. તે ખાસ કરીને રૂ. 100 અને રૂ. 200 ના દરની નોટો છાપતો હતો, જેથી તે નાની રકમ હોવાથી બજારમાં સરળતાથી વટાવી શકાય અને કોઈનું ધ્યાન ન ખેંચાય. પોલીસે દરોડા દરમિયાન આરોપી પાસેથી રૂ. 100 અને રૂ. 200ના દરની કુલ 38 નકલી નોટો જપ્ત કરી છે.

છાપકામ માટે વપરાતા સાધનો કબજે
દરોડા દરમિયાન પોલીસે માત્ર નકલી નોટો જ નહીં, પરંતુ તે છાપવા માટે વપરાતું પ્રિન્ટર અને અન્ય સામગ્રી પણ જપ્ત કરી છે. SOG દ્વારા આરોપીની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ નકલી નોટોનું જાળ કેટલું વિસ્તરેલું છે અને આરોપીએ અત્યાર સુધીમાં કેટલી રકમ બજારમાં ફરતી કરી છે, તે જાણવા પોલીસ તપાસ તેજ કરવામાં આવી છે. આ કૌભાંડમાં અન્ય કોઈ શખ્સોની સંડોવણી છે કે કેમ, તે અંગે પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમાચારને શેર કરો