યુવા, મહિલા, કિસાન, બક્ષીપંચ, અનુસૂચિત જાતિ અને લઘુમતી મોરચાની જાહેરાત બાદ પ્રતિનિધિત્વ અંગે ચર્ચા શરૂ
મોરબી: ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા મોરબી જિલ્લા સંગઠન હેઠળ વાંકાનેર તાલુકામાં વિવિધ મોરચાઓની નવી રચના જાહેર કરવામાં આવી છે. જિલ્લા ભાજપ પ્રમુખની મંજૂરીથી યુવા મોરચો, મહિલા મોરચો, કિસાન મોરચો, બક્ષીપંચ (OBC) મોરચો, અનુસૂચિત જાતિ મોરચો તેમજ લઘુમતી મોરચાની નિમણૂકો જાહેર કરવામાં આવી છે.
જાહેર થયેલી યાદી અનુસાર તમામ મોરચાઓમાં હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. જોકે આ યાદી સામે આવ્યા બાદ વાંકાનેરના મુસ્લિમ સમાજના પ્રતિનિધિત્વને લઈને અનેક સવાલો ઊભા થયા છે. સ્થાનિક સ્તરે ચર્ચા છે કે વાંકાનેરમાં 50 હજારથી વધુ મતદારો ધરાવતા મુસ્લિમ સમાજને માત્ર લઘુમતી મોરચા સુધી જ મર્યાદિત રાખવામાં આવ્યો છે, જ્યારે અન્ય કોઈ મોરચામાં જેવાકે તાલુકા ભાજપ, જિલ્લા ભાજપ,કિશાન મોરચો, મહિલા મોરચો, યુવા મોરચો વિગેરેમાં તેમને સ્થાન આપવામાં આવ્યું નથી.
સ્થાનિક રાજકીય વર્તુળોમાં ચર્ચા થઈ રહી છે કે ભાજપ સાથે વર્ષોથી જોડાયેલા મુસ્લિમ આગેવાનો અને યુવાનોમાં શું અન્ય મોરચાઓમાં જવાબદારી સંભાળવાની ક્ષમતા નથી? સંગઠનમાં તેમની ભૂમિકા શું છે અને પક્ષમાં તેમની અસર કેટલી છે, તે અંગે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે.
વાંકાનેરનો મુસ્લિમ સમાજ શિક્ષણ, વેપાર અને આધુનિક ખેતી ક્ષેત્રે અગ્રેસર માનવામાં આવે છે. ખાસ કરીને અનેક મુસ્લિમ ખેડૂતો આધુનિક કૃષિ પદ્ધતિઓ અપનાવી સફળ ખેતી કરી રહ્યા છે. તેમ છતાં કિસાન મોરચો કે યુવા મોરચા જેવી મહત્વપૂર્ણ જવાબદારીઓમાં મુસ્લિમ સમાજના એકપણ પ્રતિનિધિને સ્થાન ન મળતાં ચર્ચા વધુ તેજ બની છે.
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે જો સંગઠન તમામ સમાજોને સાથે લઈને આગળ વધવાનો દાવો કરે છે, તો વિવિધ મોરચાઓમાં પણ તમામ સમાજોને યોગ્ય પ્રતિનિધિત્વ મળવું જોઈએ. હાલ જાહેર થયેલી યાદીને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા છે અને આગામી સમયમાં ભાજપ તરફથી આ મુદ્દે કોઈ સ્પષ્ટતા કરવામાં આવે છે કે નહીં તેના પર સૌની નજર રહેશે.
વિવિધ મોરચાની યાદી….


