ભાજપના પૂર્વ સાંસદ દેવજી ફતેપરાને કોર્ટે 2 વર્ષની સાદી કેદ અને 2.97 કરોડનો દંડ ફટકાર્યો

સુરેન્દ્રનગરના ભાજપના પૂર્વ સાંસદ દેવજી ફતેપરાને 2 વર્ષની સાદી કેદ સજા અને 2.97 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. કલોલ કોર્ટે આ સજા દેવજી ફતેપરાને બે કરોડનો ચેક રિટર્ન થવાના કેસમાં ફટકારી છે.

ચેક રિટર્ન કેસમાં ભાજપના પૂર્વ સાંસદ દેવજી ફતેપરાને કલોલ કોર્ટે 2 વર્ષની સજા ફટકારી છે. કોર્ટે વર્ષ 2016માં થયેલી ફરિયાદને આધારે સજા સંભળાવી છે. કલોલ કોર્ટમાં ઠાકોર પ્રભાતસિંગે દેવજી ફતેપરા વિરૂદ્ધ કલોલ કોર્ટમાં 13 ઓક્ટોબર 2016ના રોજ ચેક રિટર્ન અંગેની ફરિયાદ કરી હતી.

મહત્વનું છે કે, ફરિયાદી ઠાકોર પ્રભાતસિંગ અને દેવજી ફતેપરા બન્ને સારા મિત્રો હોવાથી એકબીજાને જાણતા હતા. તેવામાં દેવજી ફતેપરાએ પ્રભાતસિંગને તેમની રાજકોટની ખેતીલાયક જમીન વેચવાનું નક્કી કર્યુ અને આ જમીનના બાનાપેટે ટુકડે ટુકડે રૂપિયા 1,48,50,000 મેળવ્યા હતા. આ અંગેનું બાનાખત તારીખ 25 એપ્રિલ 2014નાં રોજ આરોપી દેવજી ફતેપરાએ ફરિયાદી પ્રભાતસિંહ અને સાક્ષીઓ રૂબરૂ કરી આપ્યાં હતા.

ત્યારબાદ આ જમીનનો દસ્તાવેજ થઇ શકે તેમ ન હોવાથી આરોપી દેવજી ફતેપરાએ બાનાપેટે મળેલી રકમ પરત ચુકવવા પ્રભાતસિંગને ભારતીય સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા(ગાંધીનગર શાખા)નો રૂપિયા 1,48,50,000નો ચેક આપ્યો હતો. આ ચેક બેંકમાં જમા કરતા ચેક રિટર્ન આવ્યો અને ફરિયાદીએ વકીલ થકી ચેક રિટર્ન અન્વયેની નોટિસ આપી હતી.

આ નોટીસ પિરિયડમાં આરોપી દેવજી ફતેપરાએ ફરિયાદી પ્રભાતસિંગને ચેકની રકમ ન ચુકવતા ફરિયાદીએ ચેક રિટર્ન અંગેની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે બંને પક્ષો દ્વારા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલી દલીલોના અંતે કલોલ કોર્ટના પ્રિન્સીપાલ સિનિયર સીવિલ જજ ડી.એસ. ઠાકરે મેરિટના આધારે આરોપી દેવજી ફતેપરાને 2 વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. આ સાથે રૂપિયા 2 કરોડ 97 લાખ 10 હજારનો દંડ પણ ફટકાર્યો છે.

આ અંતર્ગત રૂ. 2 કરોડ 97 લાખ ફરિયાદી પ્રભાતસિંહ આતાજી ઠાકોરને ચુકવવાનો હુકમ કરવામાં આવ્યો છે. પરંતુ જો તેમ છતાં આરોપી દંડ ન ભરે તો બીજી ત્રણ મહીનાની વધુ સજાનો કલોલ કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.

આ સમાચારને શેર કરો
  • 48
  •  
  •  
  •  
  •  
  •  
    48
    Shares