વાંકાનેર

વાંકાનેર: દાણાપીઠ ચોકથી વિવેકાનંદ સ્ટેચ્યુ સુધીના રોડની દયનીય હાલત: ‘દીવો લઈને ગોતવા જાવ તોય ડામર ન મળવાની ગેરન્ટી..!!!

વાંકાનેર શહેરના દાણા પીઠ વિસ્તારથી રાજકોટ તરફ જતો મેઇન રોડ હાલમાં એટલો અતિશય ખરાબ અને બિસ્માર બની ગયો છે કે તેને ‘રોડ’ કહેવો પણ મુશ્કેલ છે. રસ્તા પર ડામરનું નામનિશાન ન હોવાથી અને ખાડાઓનું સામ્રાજ્ય છવાઇ જતાં, વાહનચાલકો અને મુસાફરો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્થાનિકોમાં આ રસ્તાની દુર્દશા અંગે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો કટાક્ષમાં કહી રહ્યા છે કે, “આ રોડ પર દીવો લઈને ગોતવા જાવ તોય ડામર મળે એમ નથી.” રસ્તો એટલો તૂટી ગયો છે કે ઠેર ઠેર માટી અને પથ્થરો જ દેખાય છે, જેના કારણે ધૂળની ડમરીઓ ઉડે છે અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે.

આ મુખ્ય માર્ગ પરથી દરરોજ હજારોની સંખ્યામાં નાના-મોટા વાહનો પસાર થાય છે. રસ્તા પરના મોટા અને ઊંડા ખાડાઓને કારણે વાહનોની સ્પીડ ઘટી જાય છે, સતત ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે અને વાહનોને ભારે નુકસાન થાય છે. ખાસ કરીને દ્વિ-ચક્રીય વાહનચાલકોને પીઠ અને કમરના દુખાવાની ફરિયાદો વધી ગઈ છે.

આ રસ્તાનું સમારકામ ઝડપથી થાય તે માટે અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ નાગરિકો કરી રહ્યા છે. વાંકાનેરના લોકોની માંગ છે કે સંબંધિત વિભાગો તાત્કાલિક અસરથી આ મેઇન રોડનું નવીનીકરણ કરે અને લોકોને અકસ્માત અને હાલાકીમાંથી મુક્તિ અપાવે.

આ સમાચારને શેર કરો