Placeholder canvas

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેમેસ્ટર 1થી4માં કેટી હોય તો પણ સેમેસ્ટર 5 માં પ્રવેશ મળશે

સતત બીજા વર્ષે આ પરિપત્ર રદ કરવા યુનિવર્સિટીને ફરજ પડી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સતત બીજા દિવસે મળેલી સિન્ડિકેટની આજે મળેલી ખાસ બેઠકમાં UGC ના પરિપત્ર અંગે ચર્ચા કરવામાં આવી હતી અને જે બાદ સતત બીજા વર્ષે યુનિવર્સિટીએ પરિપત્ર મોકૂફ રાખવા નિર્ણય કર્યો છે. ગઇકાલે 16 એજન્ડા ચર્ચા બાદ આજે 17માં એજન્ડા ચર્ચા કરી સિન્ડિકેટની બેઠક પૂર્ણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ગઈકાલે આ પરિપત્રનો NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને આજે આ મુદ્દે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે કુલપતિ ચેમ્બરમાં રામ ધૂન બોલાવી હતી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગઇકાલે 17 એજન્ડા સાથે સિન્ડિકેટની બેઠક મળી હતી જેમાં એક મુખ્ય મુદાની ચર્ચા બાકી રહેતા આજે ખાસ બેઠક બોલાવવામાં આવી હતી જેમાં આજની બેઠક પૂર્ણ થયા બાદ નિર્ણય કરવામાં આવ્યો છે UGC દ્વારા જાહેર કરવામાં આવેલ પરિપત્ર એક વર્ષ માટે મોકૂફ રાખવો.

UGC દ્વારા સેમેસ્ટર 1 થી 4 માં કેટી હોય તેમને સેમેસ્ટર 5 માં પ્રવેશ ન આપવા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો જેને રદ કરવા રાજકોટ શહેર NSUI દ્વારા 2 વખત ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કરવા યુનિવર્સિટીને સૂચન કરવામાં આવ્યું હતું. જ્યારે આજે ABVPના કાર્યકરોએ રામધૂન બોલાવી હતી. આજની સિન્ડિકેટની બેઠકમા યુનિવર્સિટી દ્વારા પરિપત્ર એક વર્ષ માટે મોકૂફ રાખવા નિર્ણય કર્યો છે. ઉલ્લેખનિય છે કે સતત બીજા વર્ષે આ પરિપત્ર રદ કરવા યુનિવર્સિટીને ફરજ પડી છે.

આ સમાચારને શેર કરો