લજાઈ ચોકડીથી હડમતીયા, વાંકાનેરથી હડમતીયા તરફ ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ…
ટંકારા : મોરબી જિલ્લામાં હડમતીયા ગામે શ્રી પાલણપીર મંદિર ખાતે ભાદરવી વદ નોમ, દશમ અને અગિયારસ એટલે કે તા. 26-9-2024થી તા.29-9-2024 દરમિયાન મેઘવાળ સમાજ દ્વારા પૌરાણિક મેળો યોજાતો હોય છે. આ મેળામાં અંદાજિત 5000 માણસો એકઠા થઈ આ દિવસો દરમિયાન ત્યાં જ પોતાની ધાર્મિક વિધિ કરતાં હોય છે. આ વિસ્તારમાં જીઆઇડીસી વિસ્તાર પણ આવેલ હોવાથી અને ભીડભાળ વધુ રહેતી હોવાના કારણે મેળામાં ટ્રાફિકની સમસ્યાની સંભાવના રહે છે. જેથી લજાઈ ચોકડીથી હડમતીયા તરફ જતા તથા વાંકાનેરથી હડમતીયા તરફ આવતા ભારે વાહનોને પ્રવેશ પ્રતિબંધ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામા અનુસાર લજાઈ ચોકડીથી હડમતીયા તરફ જતા તથા વાંકાનેરથી હડમતીયા તરફ આવતા ભારે વાહનોને આ રોડ પર તા. 26-09-2024 ના રોજ સવારે 8 કલાકથી તા. 29-09-2024 ના રોજ બપોરના 2 કલાક સુધી પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ રસ્તાના વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે લજાઈ ચોકડી તરફથી જતા ભારે વાહનો મીતાણા ચોકડીથી વાલાસણ ગામ, પીપળીયારાજ, અમરસર થઈને વાંકાનેર શહેર તરફ જઈ શકશે.