મોરબી યાર્ડમાં 30 વર્ષના શાસનનો અંત : હવે ખેડૂતોનું શાસન ચાલશે – મનોજ પનારા

ખેડૂત પરિવર્તન પેનલની શાનદાર જીત બાદ ભવ્ય વિજય સરઘસ નીકળ્યું : રાત્રે જેતપર ખાતે ખેડૂતો-આંદોલનકારીઓનો અભિવાદન સમારોહ

મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ ખેડૂત પરિવર્તન પેનલે શાનદાર વિજય મેળવી યાર્ડમાં સત્તા પર કબજો જમાવ્યો છે. ખેડૂત વિભાગની 10 બેઠકોમાંથી 7 અને વેપારી વિભાગની 4 બેઠકોમાંથી 2 બેઠકો જીતીને ખેડૂત પરિવર્તન પેનલના કુલ 9 ઉમેદવારો વિજેતા બન્યા છે. આ જીત સાથે સહકાર પેનલના લાંબા સમયથી ચાલતા શાસનનો અંત આવ્યો હોવાના દાવા સાથે પેનલના આગેવાનો દ્વારા ખેડૂતોનો આભાર માનવામાં આવ્યો હતો.

ખેડૂત પરિવર્તન પેનલની જીત બાદ મનોજ પનારાએ જણાવ્યું હતું કે, “આ જીત માત્ર મોરબી જિલ્લાના ખેડૂતોની નહીં પરંતુ સમગ્ર ગુજરાતના ખેડૂતોની જીત છે.” તેમણે કહ્યું હતું કે મોરબી APMCની આ ચૂંટણી પર સમગ્ર ગુજરાતની નજર હતી. ખેડૂત આંદોલન દરમિયાન સક્રિય રહેલી માતાઓ અને બહેનોએ લાઠીઓ ખાધી અને ડિટેન થવાની પરિસ્થિતિનો સામનો કર્યો, ત્યારે આ જીત તે તમામ દીકરીઓ અને માતાઓની પણ જીત છે.

મનોજ પનારાએ વધુમાં જણાવ્યું હતું કે અત્યાર સુધી યાર્ડમાં કોઈ એક પક્ષનું શાસન હતું, પરંતુ હવે ખેડૂતોનું શાસન આવશે. વેપારીઓને સાથે રાખીને ખેડૂતોના હિતમાં નિર્ણયો લેવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 30 વર્ષથી ચાલી રહેલા શાસનનો અંત લાવી હવે નવી શરૂઆત થશે. વીજપોલનો પ્રશ્ન હોય કે હાઇવેનો મુદ્દો, આ જીતને તેમણે ખેડૂત આંદોલનની મોટી સફળતા ગણાવી હતી.

વિજય સરઘસ અંગે માહિતી આપતા મનોજ પનારાએ જણાવ્યું હતું કે વિજય સરઘસ ઉમિયા સર્કલથી શરૂ થશે અને રવાપર કેનાલ ચોકડી, બાપા સીતારામ ચોક, સરદાર પટેલ સ્ટેચ્યુ, મોરબી સિટી અંદર નગર દરવાજા અને ત્યારબાદ મહેન્દ્રનગર ચોકડી થઈને જેતપર સહકારી મંડળી પાસે પૂર્ણ થશે. જ્યાં ખુલ્લી જગ્યામાં ખેડૂતો અને આંદોલનકારીઓના અભિવાદનનો કાર્યક્રમ યોજાશે.

લલિત કગથરાએ પણ ખેડૂત પરિવર્તન પેનલની જીતને ખેડૂતોના સંઘર્ષનો વિજય ગણાવી મોરબી જિલ્લાના ખેડૂતોનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ખેડૂત વિભાગમાંથી 7 અને વેપારી વિભાગમાંથી 2 મળી કુલ 9 સભ્યો ચૂંટાયા છે. 30 વર્ષથી સત્તામાં રહેલા લોકો સામે ખેડૂતો દ્વારા લડવામાં આવેલી લડાઈનું આ પરિણામ હોવાનું તેમણે જણાવ્યું હતું.

લલિત કગથરાએ વધુમાં આ પરિણામને ભાજપની નામોશીભરી હાર ગણાવી હતી અને સહકારી ક્ષેત્રમાં રહેલા લોકોને પણ ખેડૂતોએ જાકારો આપ્યો હોવાનો દાવો કર્યો હતો. IFFCO સહિત સહકારી ક્ષેત્રની વિવિધ સંસ્થાઓનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે આ માત્ર શરૂઆત છે અને આ પરિણામ ખેડૂત પરિવર્તનની નિશાની છે. આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતમાં આ પ્રકારનું પરિવર્તન જોવા મળશે તેવો દાવો પણ તેમણે કર્યો હતો.

ખેડૂત પરિવર્તન પેનલની જીત બાદ મોરબીના સહકારી અને માર્કેટ યાર્ડના રાજકારણમાં નવા સમીકરણો સર્જાયા છે. બીજી તરફ પેનલ દ્વારા જાહેર કરાયેલા વિજય સરઘસ અને અભિવાદન સમારોહને લઈને પણ ખેડૂતો તથા આંદોલનકારીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો

Follow Us on