વાંકાનેર

વાંકાનેરમાં રેલવે કોલોનીમાંથી રૂ.4.80 લાખના ઈલેક્ટ્રિકલ કેબલની ચોરી: યુનિયનના હોદ્દેદાર સહિત 4 ઝડપાયા


મુંબઈ અને રાજકોટના ઉચ્ચ અધિકારીઓ વાંકાનેર દોડી ગયા; ક્રેઈન અને ટ્રક જપ્ત કરી આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર

વાંકાનેર:વાંકાનેર રેલવે કોલોની વિસ્તારમાં આવેલા નવા પમ્પ હાઉસ પાસેથી રેલવેના રૂ.4.80 લાખની કિંમતના ઈલેક્ટ્રિકલ કેબલના 3 ડ્રમની ચોરી થતા રેલવે તંત્રમાં ભારે હડકંપ મચી ગયો છે. આ ચકચારી ઘટનાની ગંભીરતાને પગલે મુંબઈ હેડ ક્વાર્ટર્સથી આઈજી કમ ચીફ સિક્યુરિટી કમિશનર અજય સદાની અને રાજકોટ ડિવિઝનલ સિકયુરિટી કમિશનર કમલેશ્વર સિંહ પણ વાંકાનેર દોડી આવ્યા હતા. RPF દ્વારા આ મામલે સધન તપાસ હાથ ધરી રેલવેના જ એક કર્મચારી સહિત કુલ 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

રાત્રિના અંધારામાં ક્રેઈન વડે કેબલના 3 ડ્રમ ચોરી કર્યા
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, ગત 11 જુલાઈની રાત્રિ દરમિયાન આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી ક્રેઈન જેવા ભારે મશીનનો ઉપયોગ કરીને કેબલના 3 વિશાળ ડ્રમ ઊંચકીને મિની ટ્રકમાં લોડ કરી ચોરીને અંજામ આપ્યો હતો.

ચોરાયેલા માલમાં:
25 ચોરસ મીમી ક્ષમતાનો 517 મીટર લાંબો એક કેબલ
35 ચોરસ મીમી ક્ષમતાના અનુક્રમે 494 મીટર અને 502 મીટર લાંબા બે કેબલ આમ કુલ 1508 મીટર લાંબો ઈલેક્ટ્રિકલ કેબલ ચોરાયો હતો. આ અંગે વાંકાનેરના સિનિયર સેક્શન એન્જિનિયર દ્વારા RPF માં લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
4 સ્થળે માલ વેચવા પ્રયાસ કર્યો, ન વેચાતા બિનવારસી છોડી ભાગ્યા

ચોરી કર્યા બાદ આરોપીઓએ આ સરકારી ચોરાઉ માલ વેચવા માટે 4 અલગ-અલગ સ્થળે કોશિશ કરી હતી. પરંતુ રેલવેનો સિક્કો મારેલો માલ હોવાથી કોઈએ ખરીદ્યો ન હતો. અંતે પકડાઈ જવાના ડરે આરોપીઓ આ કેબલ શક્તિનગર પાસે જાહેરમાં છોડીને નાસી ગયા હતા, જેને પોલીસે કબજે કર્યો હતો. RPF ના PI ડામોર સહિતની ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સિસની મદદથી તપાસ હાથ ધરીને આ ગુનામાં સંડોવાયેલા 4 આરોપીઓની ધરપકડ કરી છે:

અશોકકુમાર રંગમ ભડિયાસી (મુખ્ય આરોપી - રેલવે કર્મચારી અને વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનના બ્રાન્ચ સેક્રેટરી)
કરણસિંહ જયવંતસિંહ જાડેજા
ઈસ્તિયાક અહેમદ ખાન (ટ્રક ડ્રાઈવર)
રણછોડ રાયાભાઈ ટોટા (ક્રેઈન ડ્રાઈવર)
કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા:
રેલવે કર્મચારી અને યુનિયનના હોદ્દેદારની સંડોવણી ખુલતા રેલવે આલમમાં ભારે ખળભળાટ મચ્યો છે. પોલીસે ગુનામાં વપરાયેલી ક્રેઈન અને મિની ટ્રક જપ્ત કર્યા છે. આ રેકેટમાં રેલવેના અન્ય કયા કર્મચારીઓ સામેલ છે તેની વિગતો ઓકાવવા માટે પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવી આગળની પૂછપરછ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો