વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધની લૂંટ, બાઈક પર આવેલા ત્રણ શખ્સો થેલો ઝૂંટવી ફરાર

વાંકાનેર: વાંકાનેર શહેરમાં ધોળા દિવસે લૂંટની ઘટનાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કર્યા છે. શહેરના વાંઢા લીમડા ચોકથી લક્ષ્મીપરા ચોક તરફ જતા રસ્તા પર પગપાળા જઈ રહેલા એક વૃદ્ધને બાઈક પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ આંતરી તેમના હાથમાં રહેલો થેલો ઝૂંટવી ફરાર થઈ જતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

પોલીસ ફરિયાદ મુજબ મોરબીના રવાપર રોડ સ્થિત વેલકમ પ્રાઇડમાં રહેતા હરિલાલ નાનજીભાઈ વિડજા (ઉં. 65) ગત તા. 20ના રોજ બપોરે આશરે 4 વાગ્યે વાંકાનેર શહેરમાં વાંઢા લીમડા ચોકથી લક્ષ્મી ચોક તરફ પગપાળા જઈ રહ્યા હતા. તે દરમિયાન બાઈક પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સો તેમની પાસે આવી પહોંચ્યા હતા.

આરોપીઓએ પહેલા હરિલાલભાઈને હાથમાં રહેલો થેલો આપી દેવાની માંગણી કરી હતી. જોકે તેમણે થેલો આપવાનો ઇનકાર કરતાં ત્રણેય શખ્સોએ તેમને ધક્કો મારી નીચે પછાડી દીધા હતા અને તેમના હાથમાંથી થેલો ઝૂંટવી બાઈક પર ફરાર થઈ ગયા હતા.

લૂંટાયેલા થેલામાં રૂ. 3,000 રોકડ રકમ ઉપરાંત જરૂરી દસ્તાવેજો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ઘટનાની જાણ થતાં વાંકાનેર સીટી પોલીસે અજાણ્યા ત્રણેય શખ્સો વિરુદ્ધ લૂંટનો ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે.
ધોળા દિવસે જાહેર માર્ગ પર બનેલી આ ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે અને શહેરમાં પોલીસ પેટ્રોલિંગ વધુ સઘન બનાવવાની માંગ ઉઠી રહી છે.

આ સમાચાર શેર કરો

Follow Us on