વાંકાનેર: પંચાસીયા કિશાન સેવા સહકારી મંડળીમાં ટ્રેકટર અને ગાડા વચ્ચે ચૂંટણી જંગ… કોણ જીતશે ?
આ મંડળીની ચૂંટણીમાં પૂર્વ ધારાસભ્ય મહંમદ જાવિદ પીરઝાદા ખુદ ચૂંટણી લડી રહ્યા છે…!!!
વાંકાનેર: પંચાસીયા ગામની શ્રી કિસાન સેવા સહકારી મંડળી લી. માં લાંબા કાનૂની જંગબાજ ચૂંટણી જાહેર થઈ છે ગઈકાલે ફોર્મ ખેંચવાના દિવસ બાદ બે પેનલ સામ સામે ચૂંટણી લડી રહી છે જેમાં એક પેનલમાં વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય મહંમદ જાવિદ પીરઝાદા ખુદ ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે તેમની સામે ખેડૂત સંઘર્ષ સમિતિ પેનલ તૈયાર કરીને ચૂંટણી જંગમાં ઝંપલાવીને પીરજાદાને પડકાર ફેંક્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ મંડળીમાં ગુપ્ત રીતે ચૂંટણી કરવામાં આવી હતી, જેમને ખેડૂત સંઘર્ષ સમિતિ પેનલે કોર્ટમાં પડકારીને દાદ માગી હતી, બાદમાં લાંબા કાનૂની જંગ બાદ આખરે ગુપ્ત થયેલી ચૂંટણીને રદ કરીને વહીવટદાર મૂકવામાં આવ્યા હતા અને હવે ચૂંટણી જાહેર થઈ છે. ત્યારે પીરઝાદા ખુદ પોતાનું વર્ચસ્વ અને મંડળી ટકાવી રાખવા માટે પોતે ચૂંટણી લડી રહ્યા છે અને તેમની આખી પેનલ ચૂંટણી લડી રહી છે.
પંચાસીયા ગામની આ સહકારી મંડળીની ચૂંટણી આમ તો નાની ચૂંટણી કહેવાય પણ આ ચૂંટણી સમગ્ર તાલુકાનું ધ્યાન ખેંચ્યું છે અને ઠેરઠેર આ ચૂંટણીની ચર્ચાઓ થઈ રહી છે. શું થશે ? એ કહેવું અત્યારે તો વહેલું કહેવાશે પણ બંને પેનલ એકબીજાને ભરી પીવા માટે સંપૂર્ણ તૈયારી કરી ચૂકી છે. તમામ પ્રકારના દાવ આ ચૂંટણીમાં અજમાવશે, ખેલાશે અને કોઈ કચાસ છોડવામાં નહીં આવે જો એમ કહીએ કે આ ચૂંટણી ધારાસભાની ચૂંટણી જેવી બની જશે તો પણ એ વધારે પડતું ન કહેવાય કેમ કે આ ચૂંટણી ખુદ પૂર્વ ધારાસભ્ય પોતે લડી રહ્યા છે, જેથી વાંકાનેર તાલુકાની કોંગ્રેસ તેમની સાથે રહેશે અને પંચસિયામાં ધામા પણ નાખશે.
ત્યારે સામા પક્ષે ખેડૂત સંઘર્ષ સમિતિ પેનલ પણ ‘કરો યા મરો’ ની માફક ચૂંટણી માટે તૈયાર થઈ ચૂકી છે. આમ તો ચૂંટણી મોટા માથાઓ સામે નાના માણસોની છે પણ નાના માણસો પણ હવે સરણાગતિ સ્વીકારવા તૈયાર નથી ત્યારે આ ચૂંટણી વટ,વચસ્વ અને સ્વમાનની ચૂંટણી બની રહી છે. ત્યારે જોવું એ રહે કે કિશાન સેવા સહકારી મંડળીના સભાસદો કોને વિજયમાળા પહેરાવે છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે અનુ.જાત/ જન જાતિના બેઠકના ખેડૂત સંઘર્ષ સમિતિ પેનલના ઉમેદવાર પીતાંબર ખેંગારભાઈ બિનહરી થયા છે. હવે 15 ઉમેદવારો ચૂંટવાના છે અને એ માટે કુલ 30 ઉમેદવારો મેદાનમાં છે,બંને પેનલના 15-15 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જેમાં પૂર્વ ધારાસભ્યની પેનલનું નિશાન ટ્રેકટર અને ખેડૂત સંઘર્ષ સમિતિ પેનલનું નિશાન ગાડું છે, આમ પંચાસીયા ગામની શ્રી કિસાન સેવા સહકારી મંડળી લી.ની ચૂંટણી હાલતો ટ્રેક્ટર અને ગાડાની વચ્ચેનો ચૂંટણી જંગ જાહેર થઈ ચૂક્યો છે. પંચાસિયા સહકારી મંડળીની ચૂંટણી આગામી તારીખ 19/03/2025ના રોજ થશે અને ચૂંટણી પત્યા પછી મત ગણતરી તે દિવસે જ થશે.
ચૂંટણીના ઉમેદવારો ની યાદી



