હીટવેવના પગલે શિક્ષણ મંત્રીનો નિર્ણય, શાળાઓને સમયમાં ફેરફાર કરવા સૂચના
રાજ્યમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે ત્યારે વધતી ગરમીના કારણે રાજ્યની શાળાઓના સમયમાં ફેરફાર કરવાની છૂટ આપવામાં આવી છે. સાથો સાથ બપોરના સમયે ગ્રાઉન્ડ પર એક્ટિવિટી ન કરાવવા તેમજ ઓપન-એર ક્લાસ હાથ ન ધરવા આદેશ આપવામાં આવ્યો છે.
શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ કહ્યું કે, ”ગુજરાતના હવામાન વિભાગ દ્વારા ગરમીનું પ્રમાણ ખુબ વધશે તેવી આગાહી કરવામાં આવી છે, ત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટના ભાગ રૂપે હવામાન વિભાગે શિક્ષણ વિભાગને માહિતી આપી હતી ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળામાં એક પરિપત્ર કરવામાં આવ્યો છે કે, શાળાના સમયમાં ફેરફારનો નિર્ણય પોતાની વિવેક બુદ્ધિથી લઈ શકશે તેમજ ઉનાળામાં સવારની પ્રવૃતિ બાદ કરતા જેમકે, સવારની પાર્થના સિવાય ગ્રાઉન્ડ પ્રવૃતિ ન કરવામાં આવે.
વિદ્યાર્થીઓ વધુમાં વધુ પાણી પીવે તેમજ હિટવેવથી બચવાના ઉપાયો અંગે માહિતી આપવામાં આવે”
લૂ અથવા હીટ સ્ટ્રોકથી બચવાના ઉપાય
- પુષ્કળ પ્રમાણમાં ઠંડુ પાણી, લીંબુ શરબત, છાશ, તાડફળી, નારીયેળનું પાણી, ખાંડમીઠાનું દ્રાવણ અને ORS જેવા પ્રવાહીનું સેવન કરવું
- નાગરીકોએ વધુ પડતો શ્રમ ટાળવો અને શક્ય હોય ત્યાં સુધી તડકામાં ફરવાનું પણ ટાળવું
- ભરબપોરે કામ પર જતા સમયે થોડો સમય છાયડામાં આરામ કરવો
- ઠંડક માટે માથા પર ઠંડુ ભીનું કપડું રાખવું અને શ્રમિકોએ કામના સમયે ઉઘાડા શરીરે ફરવું નહીં.
- ઉપવાસ કરવાનું ટાળવું
- મંદિર, મસ્જિદ, થિયેટર, શોપીંગ મોલ જેવા ઠંડક વાળા સ્થળોએ જવું
- ઘર, ઓફીસ અથવા અન્ય કામ કરતી જગ્યાએ પંખા, કુલર તેમજ ACનો ઉપયોગ કરવો.
- સગર્ભા માતા, નાના બાળકો, વૃદ્ધો તેમજ અશક્ત અને બિમાર વ્યકિતઓનું ખાસ ધ્યાન રાખવું.
- હીટવેવ દરમિયાન શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું
- બહાર નીકળતા સમયે આખું શરીર અને માથું ઢંકાય તેવા સફેદ-સુતરાઉ અને ખુલ્લા કપડાં પહેરવા
- બહાર નીકળતી વખતે ટોપી, ચશ્માં અને છત્રીનો ઉપયોગ કરવો
- હીટવેવની આગાહીના દિવસોમાં બપોરે બે વાગ્યાથી ચાર વાગ્યા સુધીમાં બહાર નીકળવાનું ટાળવું.
- બાળકો માટે કેસુડાનાં ફુલ તથા લીમડાના પાનનો નાહવાના પાણીમાં ઉપયોગ કરવો.
- બજારમાં મળતો ખુલ્લો, વાસી ખોરાક ખાવો નહી, બજારમાં મળતા બરફનો ઉપયોગ પણ ટાળવો
- લગ્ન પ્રસંગે દૂધ-માવાની બનાવેલી વાનગીઓ ખાવી નહી.
- ચા – કોફી અને દારૂના સેવનથી લૂ લાગવાની શક્યતા વધે છે, તેથી તેનું સેવન ટાળવું.
- ઘરની છત પર સફેદ રંગ, સફેદ ચૂનો અથવા સફેદ ટાઇલ્સ લગાવવી, જે ઘરનું તાપમાન ઘટાડશે.
લૂ લાગવાના (હીટવેવના) લક્ષણો
- માથું દુ:ખવું, પગની પીંડીઓમાં દુઃખાવો થવો
- શરીરનું તાપમાન વધી જવું
- ખૂબ તરસ લાગવી
- શરીરમાંથી પાણી ઓછું થઈ જવું
- વધુ તાવ આવવો
- ગરમ અને સૂકી ત્વચા
- નાડીના ધબકારા વધવા
- ઉલ્ટી થવી, ઉબકા આવવા
- ચકકર આવવા, આંખે અંધારા આવવા
- બેભાન થઈ જવું
- સુધ-બુધ ગુમાવી દેવી
- અતિગંભીર કિસ્સામાં ખેંચ આવવી

