કચ્છમાં મોડી રાત્રે ધરા ધ્રુજી: દુધઈ નજીક 5ની તીવ્રતાનો ભૂકંપ નોધાયો; કોઈ જાનમાલની નુકસાની નહીં.


ગત મોડી રાત્રે કચ્છ જિલ્લામાં ભૂકંપ નોંધાયો છે. ભૂકંપનું કેન્દ્ર દુધઈ ગામથી આશરે 17 કિલોમીટર ઉત્તર-ઉત્તરપૂર્વમાં આવેલું હતું. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.0 માપવામાં આવી છે.

સ્થાનિક લોકોના કહેવા મુજબ ભૂકંપનો આંચકો થોડા સેકન્ડ સુધી અનુભવાયો હતો. જોકે, અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ કે નુકસાનીના અહેવાલો સામે આવ્યા નથી. છતાં, લોકો થોડીક ક્ષણ માટે ઘરની બહાર દોડી આવ્યાં હતા. ISR દ્વારા સ્થિતીની નજર રાખવામાં આવી રહી છે અને અધિકૃત સ્ત્રોતો દ્વારા વધુ માહિતી વહેલી તકે જાહેર કરવામાં આવશે.
કચ્છ ભૂકંપ સંવેદનશીલ વિસ્તારમાં આવેલું હોવાથી અહીં ભૂકંપના નાના-મોટા આંચકાઓ અવારનવાર અનુભવાતા રહે છે, પરંતુ 5ની તીવ્રતાનો આંચકો નોંધપાત્ર માનવામાં આવે છે. કચ્છ જિલ્લાના દુધઈ ગામ અને તેની આસપાસના વિસ્તારમાં તાજેતરના વર્ષોમાં કેટલાક ભૂકંપના આંચકા નોંધાયા છે.
