ટંકારાના મેઘપર ઝાલા ગામે થયેલ ડબલ મર્ડરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાકા-ભત્રીજાની અંતિમ યાત્રા…
ટંકારાના મેઘપર ઝાલા ગામે જમીન માપણીના વિવાદમાં ડબલ મર્ડર; ભાજપના સંગઠનના ઉપપ્રમુખ અને ક્ષત્રિય સમાજ ના અગ્રણીના પરિવારના કાકા-ભત્રીજાની છરીના ઘા ઝીંકી ક્રૂર હત્યા કરી હતી.
ટંકારા તાલુકામાં આવેલ મેઘપર ઝાલા ગામે સગા પડોશીઓ વચ્ચે જમીન માપણી અને શેઢાના વિવાદે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું ખેતરમાં માપણી કરી ખુંટા મારવાની નજીવી બાબતમાં ઉશ્કેરાયેલા બે સગા જ્ઞાતી ભાઈઓએ કાકા-ભત્રીજા પર છરી વડે આડેધડ ઘા ઝીંકીને કાકા-ભત્રીજાની કરપીણ હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
ફરિયાદી દિગ્વિજયસિંહ પ્રતાપસિંહ ઝાલા (ઉં.વ. ૪૮, રહે. મેઘપર ઝાલા) એ પોલીસમાં નોંધાવેલી વિગત મુજબ, તેઓ મેઘપર ઝાલા ગામે આવેલી પોતાની આશરે સાડા ઓગત્રીસ વીઘા જમીન (જે હાલ તેમના બહેન કૈલાશબાના નામે છે) માં ખેતીકામ કરે છે. તેમની વાડીની બાજુમાં જ ગામના મહેન્દ્રસિંહ શિવુભા ઝાલાની વાડી આવેલી છે.

મંગળવાર, ૦૯ જૂન ૨૦૨૬ ના રોજ બપોરના આશરે સાડા ત્રણેક વાગ્યે દિગ્વિજયસિંહ પોતાની જમીનની માપણી કરાવવા માટે મોરબીના માપણી કરનાર કિર્તીભાઈ પટેલ, પોતાના નાના ભાઈ જયપાલસિંહ પ્રતાપસિંહ (ઉં.વ. ૪૦), દીકરા હર્ષવર્ધનસિંહ દિગ્વિજયસિંહ (ઉં.વ. ૨૨) અને કાકાના દીકરા સંજયસિંહ મોહનસિંહ સાથે ખેતરે ગયા હતા. બાજુના ખેતરવાળા મહેન્દ્રસિંહ શિવુભાના દીકરાઓ મહાવિરસિંહ અને તેજપાલસિંહને પણ માપણી વખતે હાજર રહેવા નાના ભાઈ એ બોલાવ્યા હતા
માપણી બાદ શેઢાના ભાગે ખુંટા મારવાની પ્રક્રિયા ચાલી રહી હતી, જે પાડોશી ભાઈઓ મહાવિરસિંહ અને તેજપાલસિંહને પસંદ આવી નહોતી. આ દરમિયાન ફરિયાદી દિગ્વિજયસિંહ પાણી ભરવા અને સંજયસિંહ ચા બનાવવા માટે શેઢે ગયા હતા. બપોરના આશરે ચારેક વાગ્યે આરોપી મહાવિરસિંહ અને તેજપાલસિંહ મોટરસાઇકલ લઈને ધસી આવ્યા હતા. પોતાની પાસે રહેલા છરી જેવા તીક્ષ્ણ હથિયારો વડે જયપાલસિંહ અને હર્ષવર્ધનસિંહ પર તૂટી પડ્યા હતા. હુમલાખોરોએ બંનેના શરીર પર આડેધડ અને ગંભીર ઘા ઝીંકી દીધા હતા. આ ભયાનક દ્રશ્ય જોઈને માપણી કરનાર વ્યક્તિઓ ત્યાંથી જીવ બચાવીને ભાગી ગયા હતા. ફરિયાદી દોડીને ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ બંને આરોપીઓ મોટરસાઇકલ પર ફરાર થઈ ગયા હતા. હુમલા બાદ લોહીલુહાણ હાલતમાં તરફડી રહેલા દીકરા હર્ષવર્ધનસિંહ અને ભાઈ જયપાલસિંહને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ કમનસીબે, હોસ્પિટલના ફરજ પરના તબીબ ભાસ્કર વિરસોડિયા એ તપાસીને બંનેને મૃત જાહેર કર્યા હતા અને પોલીસને આ અંગે જાણ કરી હતી.

આ ચકચારી ડબલ મર્ડરની ઘટનાની જાણ થતાં જ ટંકારા પોલીસનો કાફલો હોસ્પિટલ અને ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહોનો કબજો સંભાળી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ટંકારા પોલીસે મુતકના પિતા અને સગા ભાઈ દિગ્વિજયસિંહ ઝાલાની ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ ૧૭૩ ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ ની કલમ ૧૦૩(૧) (હત્યા/મર્ડર) અને ૩(૫) (સમાન ઇરાદો પાર પાડવો). ગુજરાત પોલીસ (GP) એક્ટની કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ હૃદયદ્રાવક ઘટનાની વધુ તપાસ ટંકારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે ડી ઝાલા ચલાવી રહ્યા છે. પોલીસે ફરાર થઈ ગયેલા બંને હુમલાખોર ભાઈઓ (મહાવિરસિંહ અને તેજપાલસિંહ) ને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
જયપાલસિંહ ઝાલા ટંકારા તાલુકા ભાજપ સંગઠનમાં ઉપપ્રમુખ હતા
મેધપર ઝાલા ગામના ક્ષત્રિય અગ્રણી પરીવાર ના જયપાલસિંહ ઝાલા પ્રજા પશ્રને હમેશાં અગેસર રહી હકારાત્મક અને હેરાનગતી ન થાય માટે ચહેરા પર હાસ્ય રાખી પશ્ર્ન ઉકેલવાના મંત્ર સાથે કામ કરવાની ટેવ વાળા હતા થોડા મહિના પહેલાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અદકેરૂ જમીની કાર્ય કરી જનતાનો વિશ્વાસ મેળવ્યો હતો એમની હત્યા ના સમાચાર મળતાં સ્થાનિક નેતાઓ અને ધારાસભ્ય સતત ટેલિફોનિક સંપર્ક કરી તમામ સંગઠન હોસ્પિટલમાં દોડી આવ્યા હતા.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાકા ભત્રીજા ની અંતિમ યાત્રા યોજાઈ
ગઈ કાલે બનેલી ગામના જ્ઞાતી બંધુએ કરેલ ડબલ હત્યા બાદ પિ એમ અને પોલીસ કાર્યવાહી બાદ આજે સવારે મુતકના માદરે વતન મેધપર ઝાલા ગામે અંતિમ યાત્રામાં મોરબી જિલ્લા સર્વે સમાજના મોટી સંખ્યામાં આગેવાનો અને ગામ હિબકે ચડયું હતું આરોપી એજ ગામના હોય કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવયો છે.


