વાંકાનેરના રસિકગઢ ગામના ડૉ. રફ્યુદીન માથકિયાનું રાજ્યસ્તરીય ગુજરાતના ગવર્નરના હસ્તે વિશિષ્ટ સન્માન…

વાંકાનેર તાલુકાના રસિકગઢ ગામના વતની અને કમ્બર પરિવારના ગૌરવ સમાન ડૉ. રફ્યુદીન માથકિયાને શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન બદલ રાજ્યસ્તરે વિશિષ્ટ સન્માન પ્રાપ્ત થયું છે. ગાંધીનગર ખાતે તા. 6 મે, 2026ના રોજ યોજાયેલ કામધેનુ યુનિવર્સિટીના 12મા વાર્ષિક પદવીદાન સમારોહ દરમિયાન ડૉ. રફ્યુદીન માથકિયાને કામધેનુ યુનિવર્સિટીના સર્વોચ્ચ શિક્ષણ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

કામધેનુ યુનિવર્સિટી અંતર્ગત ગુજરાત રાજ્યની વેટરનરી, ડેરી અને ફિશરીઝ ક્ષેત્રની કુલ 12 કોલેજોમાંથી 550થી વધુ પ્રોફેસરો કાર્યરત છે, જેમાંથી માત્ર એક જ પ્રોફેસરને આ પ્રતિષ્ઠિત એવોર્ડ આપવામાં આવે છે. ડૉ. રફ્યુદીન માથકિયાની શૈક્ષણિક પ્રતિભા, સંશોધનક્ષેત્રે યોગદાન અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને ધ્યાનમાં રાખીને આ સર્વોચ્ચ સન્માન એનાયત કરવામાં આવ્યું હતું.

આ એવોર્ડ અંતર્ગત તેમને ગોલ્ડ મેડલ, રૂ. 25,000ની રોકડ રકમ તથા સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના હસ્તે ગાંધીનગર ખાતે આ સન્માન પ્રાપ્ત થતાં સમગ્ર વાંકાનેર તાલુકા તેમજ રસિકગઢ ગામમાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે.

ડૉ. રફ્યુદીન માથકિયાની આ સિદ્ધિ માત્ર તેમના પરિવાર માટે જ નહીં પરંતુ સમગ્ર મોરબી-વાંકાનેર પંથક માટે પ્રેરણારૂપ બની છે. ગ્રામ્ય વિસ્તારથી ઊભરીને રાજ્યસ્તરે શિક્ષણક્ષેત્રે મેળવેલી આ પ્રતિષ્ઠિત સિદ્ધિ યુવા પેઢી માટે પણ માર્ગદર્શક સમાન બની છે.

👇👇👇👇👇👇👇👇

https://chat.whatsapp.com/4PvZaYIXitZ4PpxXWvULp9?mode=gi_t
આ સમાચાર શેર કરો

Follow Us on