“થેલેસેમિયા-ડે”ના કાર્યક્રમમાં થેલેસેમીયા વિશે હેમેટોલોજીસ્ટ ડૉ. નિસર્ગ ઠક્કરે માર્ગદર્શન આપ્યુ.

અખિલ સૌરાષ્ટ્ર–કચ્છ રઘુવીર સેના  (રાજકોટ) દ્રારા થેલેસેમીયા પીડીત બાળકો તેમજ તેમના પરીવાર માટે “થેલેસેમિયા-ડે” નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં હેમેટોલોજીસ્ટ ડો. નિસર્ગ ઠક્કર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું.

અખિલ સૌરાષ્ટ્ર–કચ્છ રઘુવીર સેના (રાજકોટ) દ્રારા લોહીની વારસાગત, જીવલેણ બિમારી થેલેસેમીયાનો ભોગ બનેલા કુમળા ફુલ જેવા  થેલેસેમીયા પીડીત બાળકો તેમજ તેમના સમગ્ર પરિવાર માટે  ‘થેલેસેમીયા–ડે’  નિમિતે નિઃશુલ્ક મેડિકલ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. થેસેલેમીયા લોહીનો વારસાગત રોગ છે. આ રોગથી પીડિત બાળકોને જન્મથી જ મહિનામાં બે – ચાર વખત લોહી ચડાવવું પડે છે. આ રોગનાં દર્દીઓએ આજીવન લોહીની સાથો સાથ અન્ય સારવાર પણ લેવી પડે છે. થેલેસેમિયા બાળકોની સારવારમાં હેમેટોલોજીસ્ટ (લોહીના રોગોના સુપર સ્પેશ્યાલીસ્ટ) ડોક્ટરની ભૂમિકા અતિ મહત્વની છે.

આ કાર્યક્રમમાં શહેરના ખ્યાતનામ હેમેટોલોજીસ્ટ ડો. નિસર્ગ ઠક્કર કે જેઓ રાજકોટ શહેરની વોકાર્ડ હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યા છે, તેઓએ થેલેસેમિયાનાં સંદર્ભમાં અવેર, શેર, કેર બાબતે ખાસ વાર્તાલાપ કરેલ. સરકાર અને  જનતા આ અંગે જાગૃત થાય તેમજ નાની ઉમરમાં કે લગ્ન પહેલા થેલેસેમિયા ટેસ્ટ કરાવવામાં આવે તો આ રોગને અટકાવી શકાય. આ ઉપરાંત ડો. નિસર્ગ ઠક્કર દ્વારા થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને ધ્યાનમાં રાખવા જેવી બાબતો જેવીકે સમયસર લોહી ચડાવવું, હિમોગ્લોબિન 9.5 થી 10 મેઇનટેઇન કરવું અને જો હિમોગ્લોબિન મેઇનટેઇન ન થાય તો કેવા પ્રશ્નો આવી શકે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. ડો. નિસર્ગ ઠક્કર દ્વારા જણાવવામાં આવ્યું કે બોનમેરો માટે HLA મેચ કરાવવું ખૂબ જરૂરી છે, તેમજ HLA મેચ કેવી રીતે થાય, ક્યાં થાય, તેનો ખર્ચો શું આવે અને જો પેસન્ટને HLA મેચ ન મળે તો ક્યાં વિકલ્પો છે તેના અંગે વાત કરેલી. થેલેસેમિયા બાળકો માટે શ્રેષ્ઠત્તમ સારવાર કેવી હોવી જોઈએ તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ ઉપરાંત બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ, હેપ્લો ટ્રાન્સપ્લાન્ટ તેમજ થેલેસેમિયા માટે ભવિષ્યમાં આવનાર દવાઓ / સારવાર વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં અંતે પ્રશ્નોતરી દ્વારા બાળકો અને વાલીઓની સારવાર સંબંધી મૂંઝવણો દુર કરવામાં આવી હતી. આ મેડિકલ માર્ગદર્શનનું ૧૭૫ જેટલા થેલેસેમિયા પીડિત બાળકોએ લાભ લીધો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે અખિલ સૌરાષ્ટ્ર–કચ્છ રઘુવીર સેના (રાજકોટ)નાં પ્રમુખ મિતલ ખેતાણી, જીતુલભાઈ કોટેચા, ડો. રમેશભાઈ ભાયાણી, સંજયભાઇ કક્કડ, વિવેકાનંદ યુથ ક્લબનાં અનુપમભાઈ દોશી, ડો. રવિ ધાનાણી સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

આ સમાચારને શેર કરો