રાજકોટ:ડૉ.જયેશભાઇ ભૂતની લાશ મેટોડા નજીક ડેમમાંથી મળી: આપઘાત કે અકસ્માત ?

ઢેબર રોડ પર આવેલ ઓર્કીડ હોસ્પિટલમાં બાળકોના વિભાગના સિનિયર તબીબ મેટોડા નજીક આવેલ પોતાની વાડીએ ગયાં બાદ પરીવાર સાથે સંપર્ક તૂટતાં દોડી ગયેલ પરિવારજનોએ તપાસ કરતાં નજીકના ડેમમાંથી મૃતદેહ મળતા અરેરાટી

રાજકોટના સિનિયર તબીબ ડો. જયેશભાઇ ભૂતની લાશ મેટોડા નજીક ડેમમાંથી મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. તબીબે આપઘાત કર્યો કે અકસ્માતથી ઘટના ઘટી છે, તે અંગે મેટોડા પોલીસે તપાસનો ધમધમાટ આદર્યો હતો. બનાવથી પરીવાર સાથે તબીબોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

પ્રાપ્ત વિગત મુજબ, ઢેબર રોડ પર શ્રમજીવી સોસાયટીમાં બેહરા મૂંગા સ્કૂલની સામે રહેતાં ડો. જયેશભાઇ હંસરાજભાઈ ભૂત (ઉ.વ.71) ગઈકાલે બપોરે ચાર વાગ્યાની આસપાસ પોતાની મેટોડા આવેલ વાડીએ ચક્કર લગાવવા ગયાં હતાં. જે બાદ તેઓ સાંજના સાત વાગ્યા સુધી ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરતાં તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો. જેથી ચિંતિત થયેલ પરિવારજનો મેટોડામાં આવેલ વાડીએ દોડી ગયાં હતા તપાસ હાથ ધરી હતી.

દરમિયાન વાડી નજીક આવેલ ડેમમાં તપાસ કરતા તેમાંથી તબીબની લાશ મળી આવતાં પરીવારજનો સ્તબ્ધ થઈ ગયાં હતાં. બનાવ અંગે પોલીસને જાણ કરતાં દોડી આવેલ પોલીસની ટીમે જરૂરી કાગળો કરી મૃતદેહને પીએમ અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને બનાવ આપઘાત છે કે અકસ્માત તે દિશામાં તપાસ હાથ ધરી હતી.

વધુમાં મળેલ વિગત મુજબ, તબીબ વર્ષ 1978 થી સિનિયર પીડિયાટ્રિક તરીકે કામ કરે છે અને શહેરમાં નામાંકિત તબીબ તરીકે તેમની ઓળખાણ છે. બનાવથી પરીવારમાં ઘેરો શોક છવાયો હતો.

આ સમાચારને શેર કરો