રાજકોટ-સુરેન્દ્રનગર 116 કિમી ડબલ ટ્રેકનું 1056 કરોડના ખર્ચે કામ અઠવાડિયામાં પૂર્ણ થશે.
છેલ્લા ચાર વર્ષથી ચાલી રહેલા રાજકોટ-સુરેન્દ્રનગર રેલવે ડબલ ટ્રેક કામગીરી હવે અંતિમ તબક્કામાં છે. એક અઠવાડિયામાં એટલે કે આગામી 12 ફેબ્રુઆરી સુધીના સમયમાં પૂર્ણ કરી દેવાની રેલવેની તૈયારી છે. રૂ.1056.11 કરોડના ખર્ચે 116 કિલોમીટર રેલવે માર્ગ ડબલ થઈ જતા અનેક સુવિધાઓ વધી જશે અને સાથે સાથે લાંબા અંતરની નવી ટ્રેનો પણ રાજકોટને મળવાની પૂરી શક્યતા છે.
રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે કુલ 116.17 કિલોમીટર અંતરમાં ડબલ ટ્રેક કરવાની કામગીરી છેલ્લા ચાર વર્ષથી ચાલી રહી છે. આ માટે રેલવેએ 1056.11 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ડબલ ટ્રેક કામગીરી ઉપરાંત આ જ ટ્રેક પ૨ વિદ્યુતિકરણ કામગીરી પણ સમાંતર ધો૨ણે ચાલુ કરી દેવામાં આવી છે. જે આગામી જુલાઈ સુધીમાં પૂરી કરવા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગરથી વિરમગામ, અમદાવાદ વચ્ચે ડબલ ટ્રેક કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.
જ્યારે રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે હાલ ગુડ્ઝ અને પેસેન્જર ટ્રેનોનો ટ્રાફિક વધુ છે. જેના કારણે સિંગલ લાઈન પર ક્રોસિંગ લેવા પડે છે અને સમય વધી જાય છે. જુદા જુદા અંતરે ટ્રેનોને પસાર કરવા માટે રોકી દેવી પડે છે. જે આગામી દિવસોમાં ભૂતકાળ બની જશે. હાલ આ કામગીરી પૂરી કરવા માટે રાજકોટ બિલેશ્વર વચ્ચે બ્લોક લેવામાં આવતા અનેક ટ્રેનોના સમયમાં પરિવર્તન અને શોર્ટ ટર્મીનેટ કરવામાં આવી છે.