ટંકારામાં જિલ્લા કલેક્ટરે પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સમીક્ષા કરી
ટંકારા: મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદૃઢ બને તેમજ સરકારી કચેરીઓની કામગીરી પારદર્શી અને લોકાભિમુખ રહે તેવા આશય સાથે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા તાલુકા પોલીસ સ્ટેશન, ટંકારાની મુલાકાત લેવામાં આવી હતી.
મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ પોલીસ સ્ટેશનના તમામ રજીસ્ટરોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત કાયદો-વ્યવસ્થાને લગતી કામગીરી અને પોલીસની કાયદાકીય સજ્જતા અંગે સંબંધિત પોલીસ અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

કલેક્ટરે પોલીસ મથકમાં કાર્યરત વિવિધ વિશિષ્ટ એકમોની રૂબરૂ મુલાકાત લઈ તેમની કામગીરીની માહિતી મેળવી હતી. તેમજ ફરજ પરના પોલીસ કર્મચારીઓ સાથે સીધો સંવાદ સાધી કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું.
આ દરમિયાન પોલીસ ક્વાર્ટરનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સમગ્ર પોલીસ સ્ટેશન પરિસરની સુરક્ષા વ્યવસ્થા ઉપરાંત આંતરિક સ્વચ્છતાનું પણ બારીકાઈથી અવલોકન કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

જિલ્લા કલેક્ટરની આ મુલાકાત દરમિયાન પોલીસ સ્ટેશનની કામગીરી, કાયદો-વ્યવસ્થાની સ્થિતિ, રેકોર્ડ જાળવણી, સુરક્ષા વ્યવસ્થા તથા પરિસરની સ્વચ્છતા સહિતના વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી હતી.


