સિંધાવદરના કાસમપરા પાસે કેનાલ પરનું જર્જરિત નાળું ભયજનક સ્થિતિમાં

૫૦થી વધુ પરિવારો માટે એકમાત્ર માર્ગ, ભારે વાહનોની અવરજવરથી જોખમ વધ્યું; તાત્કાલિક સમારકામની ગ્રામજનોની માંગ

વાંકાનેર: વાંકાનેર વિસ્તારની જીવાદોરી સમાન મચ્છુ-૧ ડેમમાંથી નીકળતી સિંચાઈની કેનાલ પર સિંધાવદર નજીક આવેલા કાસમપરા ગામના મુખ્ય માર્ગ પરનું નાળું છેલ્લા કેટલાક સમયથી અત્યંત જર્જરિત હાલતમાં પહોંચી ગયું છે. નાળું ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેવી ભયજનક સ્થિતિમાં હોવાના કારણે ગ્રામજનોમાં ચિંતા ફેલાઈ છે.

કાસમપરા ગામમાં ૫૦થી વધુ પરિવારો વસવાટ કરે છે અને ગામલોકો માટે આ નાળું મુખ્ય મથક સહિત આસપાસના વિસ્તારો સાથે જોડાવાનો મહત્વપૂર્ણ તથા એકમાત્ર માર્ગ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. જો જર્જરિત નાળું તૂટી પડે અને રસ્તો બંધ થઈ જાય તો સમગ્ર ગામનો સંપર્ક કપાઈ જવાની ભીતિ છે.

ખાસ કરીને ઈમરજન્સીની સ્થિતિમાં સૌથી મોટી મુશ્કેલી સર્જાઈ શકે છે. કોઈ વ્યક્તિને તાત્કાલિક સારવારની જરૂર પડે અથવા અન્ય કોઈ કટોકટી સર્જાય ત્યારે ગામમાંથી બહાર નીકળવાનો રસ્તો બંધ થઈ જાય તો ગંભીર પરિણામો ભોગવવા પડે તેવી દહેશત ગ્રામજનો વ્યક્ત કરી રહ્યા છે.

ભારે વાહનોની અવરજવરથી જોખમ વધ્યું

આ સમસ્યાને વધુ ગંભીર બનાવતું પાસું એ છે કે વિસ્તારમાં ખાનગી JSW કંપનીનો સોલાર પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. પ્રોજેક્ટના સાધનો અને માલસામાનની હેરફેર કરતા ભારે વાહનો પણ આ જ જર્જરિત નાળા પરથી સતત પસાર થઈ રહ્યા હોવાનું સ્થાનિકોનું કહેવું છે.

જર્જરિત નાળા પરથી ભારે વાહનોની અવરજવરથી તેના પર વધારાનો ભાર પડી રહ્યો છે અને નાળું ગમે ત્યારે બેસી જાય કે ધરાશાયી થઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ હોવાની ગ્રામજનોમાં ચિંતા છે.

તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગ

કાસમપરા ગામના લોકોની માંગ છે કે આ ગંભીર સમસ્યાને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ધ્યાનમાં લેવામાં આવે. જર્જરિત નાળાનું વહેલી તકે યોગ્ય રીતે સમારકામ કરવામાં આવે અથવા સમારકામ પૂર્ણ થાય ત્યાં સુધી ગામલોકોની અવરજવર માટે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવામાં આવે.

ગ્રામજનોનું કહેવું છે કે નાળું તૂટી પડ્યા બાદ કાર્યવાહી કરવાને બદલે કોઈ જાનહાનિ થાય તે પહેલાં જ તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવે તો મોટી દુર્ઘટના ટાળી શકાય.

આ સમાચાર શેર કરો

Follow Us on