Placeholder canvas

વાંકાનેર: ઢુવામાં પાર્ક કરેલા ટ્રકને હટાવવા મામલે સિક્યુરિટી ગાર્ડ સહિત ત્રણ પર હુમલો

કાર લઈને પસાર થતા ત્રણ શખ્સોએ હુમલો કરી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ

વાંકાનેર : ઢુવા ગામે ઢુવા-માટેલ રોડ મેકસન સીરામીકના ગેઇટ પાસે પાર્ક કરેલા ટ્રકને સાઈડમાં લેવા બાબતે સીરામીક કારખાનાના સિક્યુરિટી ગાર્ડ સહિત ત્રણ વ્યક્તિઓ પર હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે. જેમાં કાર લઈને પસાર થતા ત્રણ શખ્સોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાતા વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ ફરિયાદી ભાવેશભાઇ ધીરૂભાઇ ડાભી (ઉ.વ ૨૪ ધંધો- પ્રા.નોકરી રહે- દેરાળા તા. વાંકાનેર) એ આરોપીઓ મયુરસિંહ ઉર્ફે મયલો, વીજય કોળી (રહે બંને ઢુવા તા. વાંકાનેર), મનસુખ કોળી (રહે-વધાસીયા તા. વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૨૨ ના રોજ બપોરના આશરે બેવાગ્યાના અરસામાં આરોપીઓ વાંકાનેર તાલુકાના ઢુવા ગામે મેકસન સીરામીક પાસેથી કાર નં GJ-03-CA-3452 ને લઇને પસાર થતા હતા.

ત્યારે મેકસન સીરામીક બહાર પાર્ક થયેલ માટીની ટ્રક તાત્કાલીક સાઇડમાં રખાવવા બાબતે મેકસન સીરામીકના સીકયુરીટી ગાર્ડ સાહેદ આલોકકુમાર અને પ્રભાતકુમારને કહેતા આલોકકુમારે થોડીવારમાં ટ્રક ફેકટરીમાં લેવાની છે તેમ કહેતા આરોપીઓ એકદમ ઉશ્કેરાઇ જઇ સાહેદોને ગાળો આપવા લાગેલ. જેથી, ફરીયાદી ભાવેશભાઇએ આરોપીઓને ગાળો બોલવાની ના પડતા આરોપીઓએ ફેકટરીના ગેઇટ પાસે પડેલ લાકડાના ધોકા વડે ફરીયાદી તથા સાહેદ આલોકકુમારને ધોકા વડે મારતા ફરીયાદીને બંને હાથે ફેકચર તેમજ સાહેદ આલોકકુમારને ડાબા હાથે ફેકચર થતા તેમજ સાહેદ પ્રભાતકુમારને હાથ વડે માર મારતા શરીરે મુંઢ ઇજાઓ થઈ હતી અને આરોપીઓએ ફરીયાદી તથા સાહેદોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો