Placeholder canvas

ધ્રાંગધ્રા: ઓમેક્ષ કોટન સ્પિનિંગ મિલ દ્રારા રાજસીતાપુર શાળાને રૂ.35 લાખનું દાન

વઢવાણ: ધ્રાંગધ્રાના રાજસીતાપુરની શાળામાં રૂ. 35 લાખનું પુત્રોએ દાન આપી માતા-પિતાના હસ્તે ખાતમુહુર્ત કરાવ્યું. દાન એકઠું કર્યાં બાદ પણ શાળા બનાવવા માટે રૂ. 35 લાખની જરૂરિયાત હતી. ધ્રાંગધ્રા ઉદ્યોગપતિ પટેલ પરિવાર દ્વારા શાળા કોલેજ હોસ્પિટલ રમતગમત અનેક સેવાકીય પ્રવૃત્તિઓમાં દાન આપી સેવાકીય કાર્ય કરે છે. ત્યારે પરિવારના યુવાન પુત્રો દ્વારા રાજસીતાપુરની જર્જરિત શાળા માટે રૂ. 35 લાખનું દાન આપી માતા પિતાના હસ્તે નવી શાળા બનાવાના કામનો પ્રારંભ કરી પુત્રો તરીકેની ફરજ અદા કરી લોકોને રાહ ચિંધ્યો છે. ધ્રાંગધ્રાના ઉદ્યોગપતિ મોહન દેવસી પટેલ પરિવાર જિનિંગ સ્પિનિંગ મિલ સહિત અનેક ઉદ્યોગ સાથે જોડાયેલા છે.

આ પટેલ પરિવાર દ્વારા હોસ્પિટલ, સ્કૂલ-કોલેજ સહિત અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે. ગરીબ અને મધ્યમ વર્ગ માટે ધ્રાંગધ્રામાં હોસ્પિટલ ચલાવે છે. ત્યારે ધ્રાંગધ્રા રાજસીતાપુર ખાતે ઓમેક્ષ કોટન સ્પિનિંગ મિલ આવેલી છે. રાજસીતાપુરની શાળા જર્જરિત હાલતમાં હોવાથી ગામના આગેવાનો સરપંચ શાળાના આચાર્ય દ્વારા શાળા વિદ્યાર્થીઓ માટે જોખમી શાળાને નવી બનાવવા માટે દાન મેળવા માટે કામગીરી હાથ ધરવામાં આવી અને સરકાર પાસે રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે દાન એકઠું કર્યાં બાદ પણ શાળા બનાવવા માટે રૂ. 35 લાખની જરૂરિયાત હોવાથી ગામના સરપંચ આગેવાનો શાળાના આચાર્ય બધા સાથે મળી ગામમાં આવેલા ઓમેક્ષ કોટન સ્પિનિંગ મિલ ખાતે નલીનભાઈ પટેલ અને જયેશભાઈ પટેલ અને અન્ય ડાયરેક્ટરોને મળી થોડું ઘણું દાન આપવા વિનંત કરી હતી.

પટેલ પરિવાર દ્વારા કેટલી જરૂરિયાત હોવાનું પૂછતા ગામના આગેવાનો દ્વારા રૂ. 35 લાખની રકમ ખૂટે છે એમ જણાવ્યું ત્યારે મોહન દેવસી પટેલ પરિવાર દ્વારા રૂ. 35 લાખની દાન આપવાનું જણાવી નવી શાળા બનાવાનું કામકાજ શરૂ કરવાનું જણાવી કોઇ મુશ્કેલીઓ પડે તો જણાવાનું કહી શાળા ખાતમુહુર્ત પિતા પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ પટેલ અને માતા કંચનબેન પટેલના હસ્તે કરાવી પુત્રો નલીનભાઈ અને જયેશભાઈ પટેલ દ્વારા પુત્ર તરીકેની ફરજ અદા કરી શાળાનું નામ પણ માતા-પિતાનું રાખ્યું. આમ પુત્રોની સેવાકીય કામગીરીને જોઈ પિતા હીરાભાઈ, માતા કંચનબેન પટેલમા હર્ષની લાગણી જોવા મળી હતી. આ કાર્યક્રમમાં મનુભાઈ પટેલ (મનુકાકા), રામદાસબાપુ, ગોજીભાઈ દેત્રોજા. સરપંચ દેવશીભાઈ, આચાર્ય રામદેવસિંહ સહિત ગામના આગેવાનો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચારને શેર કરો