ધોળકા બેઠકની ચૂંટણી રદ : ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારશે

કૉંગ્રેસનાં ઉમેદવાર અશ્વિન રાઠોડ

અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટે 2017માં યોજાયેલી ધોળકા વિધાનસભા બેઠકની ચૂંટણી રદ કરી નાખી છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આ બેઠક ખૂબ જ પાતળી બહુમતથી જીતી હતી. આ જીતને કૉંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે હાઇકોર્ટમાં પડકારી હતી. હાઇકોર્ટે હવે જ્યારે આ બેઠકની ચૂંટણી જ રદ કરી નાખી છે ત્યારે ભાજપના ભૂપેન્દ્રસિંહ સાથે મંત્રીપદ પર બન્યા રહેવું કે પછી રાજીનામું આપવા સહિત અનેક વિકલ્પ રહેલા છે. બીજી તરફ એવા સમાચાર પ્રાપ્ત થયા છે કે ભૂપેન્દ્રસિંહ આ ચૂકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારશે. હાઇકોર્ટે ચૂંટણી જ રદ કરી નાખી છે ત્યારે પ્રથમ દ્રષ્ટ્રીએ તેઓ ધારાસભ્ય તરીકે ગેરલાયક ઠરે છે. પરંતુ તેઓ પોતાના હોદ્દા પર રહેશે કે નહીં તે ભારતીય જનતા પાર્ટી નક્કી કરશે.

ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવો

ભૂપેન્દ્રસિંહ પાસે પ્રથમ વિકલ્પ આ કેસનો સુપ્રીમ કોર્ટમાં પડકારવાનો છે. ભાજપના સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ ભૂપેન્દ્રસિંહના કેસને સુપ્રીમ કોર્ટમાં લઈ જવાનો નિર્ણય કર્યો છે. ચૂકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવા દરમિયાન તેઓ પોતાના હોદ્દા પર રહી શકે છે. આ ઉપરાંત નિયમ પ્રમાણે છ મહિનામાં ફરીથી ચૂંટણી જીતીને પોતાની ટર્મ પૂરી કરી શકે છે.

શું હતો મામલો?

2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ધોળકા બેઠક પરથી ભાપજના ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની જીત થઈ હતી. કૉંગ્રેસ તરફથી અશ્વિન રાઠોડે ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. આ ચૂંટણીમાં ભૂપેન્દ્રસિંહની 327 વોટથી જીત થઈ હતી. આ દરમિયાન પોસ્ટલ બેલેટના 427 મત શંકાસ્પદ રીતે રદ કરી નાખવામાં આવ્યા હતા. કૉંગ્રેસના ઉમેદવારે એવી દલીલ કરી હતી કે આ મત તેમની તરફેણના હતા. તેમજ ભાજપે ગેરરીતિ કરીને ચૂંટણી જીતી છે. આ મામલે કૉંગ્રેસના ઉમેદવારે હાઇકોર્ટમાં રિટ કરી હતી. જે બાદમાં હાઇકોર્ટે ચૂકાદો આપતા આ ચૂંટણી જ રદ કરી નાખી છે.

ભુપેન્દ્રસિંહ ‘બાપુ’ની 30 વર્ષ કરતાં વધુ સમયની રાજકીય કારકિર્દી પર પ્રથમ વખત ‘ડાઘ’ લાગ્યો!

ગુજરાત ભાજપના સૌથી સિનિયર મંત્રી અને આગેવાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાની વિધાનસભાની ચૂંટણીમાં થયેલી જીતને હાઇકોર્ટે રદ્દ કરી દીધી છે. ત્યારે માત્ર ભાજપ નહીં ભુપેન્દ્રસિંહ ચુડાસમાની 30 વર્ષ કરતાં વધુ સમયની રાજકીય કારકિર્દી પર મોટો ડાઘ લાગ્યો છે. ‘બાપુ’ના હુલામણા નામથી ભાજપમાં એક સન્માનનીય વ્યક્તિ તરીકે ભુપેન્દ્રસિંહનું સ્થાન છે.

સંગઠન અને સરકારમાં કામગીરી
71 વર્ષની વયના ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ગુજરાત ભાજપમાં છેલ્લા ૩૦ વર્ષ કરતાં વધુ સમયથી સક્રિય રીતે કામ કરતા આવ્યા છે. તેઓ એક શાંત સૌમ્ય અને સિનિયર આગેવાનો તરીકેની છાપ ધરાવે છે. 30 વર્ષની પોતાની રાજકીય કારકિર્દીમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ભાજપ સંગઠનથી માંડીને સરકારમાં અનેક હોદ્દાઓ અને મંત્રી પદ પર રહ્યા છે.

30 વર્ષથી મંત્રીપદે
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા 1990થી મંત્રી પદે રહ્યા હતા. જ્યારે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ધોળકા વિધાનસભામાંથી ચૂંટાયા બાદ તેઓ પ્રથમ વખત શિક્ષણ મંત્રી અને કાયદા મંત્રી બન્યા હતા. વર્તમાન સરકારમાં શિક્ષણ મંત્રી બન્યા બાદ ભુપેન્દ્રસિંહ ચુડાસમા સામે અનેક વિવાદો અને આરોપો થયા હતા.

ભૂતકાળમાં કેશુભાઇ પટેલની સરકાર હોય નરેન્દ્ર મોદીની સરકાર હોય કે આનંદીબેનની સરકાર હોય બધી જ સરકારોમાં એક ડેમેજ કંટ્રોલર ની સાથે સંગઠન અને સરકારનો વ્યવસ્થિત સમન્વય રાખવામાં ભુપેન્દ્રસિંહનો સૌથી મોટો ફાળો રહેલો છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/EP4tkqlGpAzIqxPLQGfRfc

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો