સૌરાષ્ટ્ર

ધોલેરા-ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત: બે લક્ઝરી બસો વચ્ચે ભીષણ ટક્કર

ધોલેરા/ભાવનગર: ગુજરાતમાં બેફામ ડ્રાઇવિંગને કારણે માર્ગ અકસ્માતોની ઘટનાઓ સતત બની રહી છે, ત્યારે આજે રવિવારે ધોલેરા-ભાવનગર હાઇવે પર ફરી એક મોટો અને ભયાનક અકસ્માત સર્જાયો હતો. હાઇવે પર બે લક્ઝરી બસ વચ્ચે જોરદાર ટક્કર થતાં લોકોમાં હાહાકાર મચી ગયો હતો.
અકસ્માત એટલો ગંભીર હતો કે ટક્કર પછી એક બસ રોડ પર પલટી મારી ગઈ હતી. આ દુર્ઘટનામાં બસમાં સવાર 10 મુસાફરોને ઈજા પહોંચી છે, જેમાંથી 3 લોકોની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા:
ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની ટીમો સ્થળ પર દોડી આવી હતી. ઇજાગ્રસ્ત તમામ મુસાફરોને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અકસ્માતની જાણ થતાં જ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને રાહત તથા બચાવની કામગીરીમાં મદદ કરી હતી. પોલીસે ગુનો નોંધીને બન્ને બસના ચાલકોની પૂછપરછ અને અકસ્માત પાછળના કારણોની આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ભીષણ અકસ્માતને કારણે ધોલેરા-ભાવનગર હાઇવે પર થોડા સમય માટે વાહનવ્યવહાર ખોરવાયો હતો, જોકે પોલીસે યુદ્ધના ધોરણે ટ્રાફિક ક્લિયર કરાવીને હાઇવે ફરી શરૂ કરાવ્યો હતો.

આ સમાચારને શેર કરો