રાજકોટ: ડેપ્યુટી મેયર પર છરી વડે હુમલો, સન્ની પાજી નામના આરોપીની ધરપકડ
રાજ્યમાં દિવસેને દિવસે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. પોલીસનો કોઈ ડર જ ના હોય તેમ ખુલ્લેઆમ ખુની ખેલ ખેલાય છે. અને હવે તો હદ થઈ ગઈ રાજકોટમાં ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને તેમનાના ભાઈ રવિરાજસિંહ જાડેજા ઉપર છરી વડે હુમલો થયો હતો. સન્ની પાજી કા ધાબાના સંચાલક કુખ્યાત સની અને તેના સાગરીતો દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, ભત્રીજાના ઝઘડામાં ડે.મેયર વચ્ચે પડતા આ હુમલો થયો હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને તેમના ભાઈ રવિરાજસિંહ જાડેજા ઉપર છરી વડે હુમલો થતા તેમને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જો કે, વધારે સારવાર માટે નરેન્દ્રસિંહ જાડેજાને વધુ સારવાર માટે અમદાવાદ હોસ્પિટલ લઇ જવાયા છે.
આ ઘટનાની જાણ થતા પોલીસે પહેલા આરોપીની ધરપકડ કરી લીધી હતી અને આસપાસના સીસીટીવી પણ જપ્ત કર્યા છે. હાલ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ પણ હાથ ધરી છે.


